રજાના દિવસે આનંદ બેવડાયો:શહેરમાં ધીમીધારે વધુ 2 ઇંચ મેઘકૃપા વરસી : મોસમનો કુલ 646 મીમી વરસાદ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટાંથી ધોધમારરૂપે પૂરાવી હાજરી
  • નવા બસ સ્ટેશન, વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

જિલ્લામાં અતિ ભારે વરસાદની અાગાહી વચ્ચે જિલ્લા મથક ભુજમાં રવિવારે અાવી ચડેલી મેઘસવારીથી 2 ઇંચ પાણી પડી ગયું હતું અને અા સાથે શહેરમાં મોસમનો 646 મીમી વરસાદ પડી ગયો છે. રવિવારે વહેલી સવારથી જ શહેરમાં ઝરમર ઝાપટાં સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ મેઘરાજાઅે ગીયર બદલ્યો હતો.

સવારે 10થી 12 વાગ્યા દરમ્યાન 2 મીમી, 12થી 2 વાગ્યા દરમ્યાન 26 મીમી અને 2થી 4 વાગ્યા દરમ્યાન 16 મીમી વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ પણ ઝરમર ચાલુ રહેતાં રવિવારે વધુ 2 ઇંચ વરસાદ સાથે શહેરમાં અત્યાર સુધી મોસમનો 646 મીમી વરસાદ પડી ગયો છે.

વહેલી સવારથી બપોર સુધી વરસેલા વરસાદના પગલે શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ, નવા બસ સ્ટેશન, વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાયા હતા. ઉપરાંત શહેરના મોટાબંધમાં પણ વરસાદી પાણીની અાવ શરૂ થઇ જતાં તે જોવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

રવિવારની રજા ને શહેરમાં સારો વરસાદ પડી જતાં શહેરીજનોનો અાનંદ બેવડાયો હતો અને સાંજે શહેરના હૃદયસમા હમીરકાંઠે લોકોની ભીડના કારણે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભુજ ઉપરાંત તાલુકાના અાસપાસના ગામો માધાપર, કુકમા, નાગોર, ઝીંકડી, મિરજાપર, સુખપર, હરીપર સહિતના ગામોમાં પણ ઝાપટાંરૂપે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 117 ટકા વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ લખપત 170 અને બીજા નંબરે ભુજમાં 157 ટકા મેઘકૃપા વરસી હોવાનું ડિઝાસ્ટર વિભાગે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...