પબ્લિકની હાડમારી યથાવત:અંજારની RTO કચેરી માત્ર ચોપડે શરૂ થઈ, લાયસન્સ, નામ ટ્રાન્સફર સહિતના કામો માટે લોકોને ભુજનો ધક્કો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભુજની કચેરીમાંથી સ્ટાફને ફાળવી દેવાયો, પણ મોટરિંગ પબ્લિકની હાડમારી યથાવત
  • જીજે​​​​​​​ 39 કોડનું કામ ટેક્નિકલ ક્ષતિમાં અટક્યું,સ્ટાફઘટથી બંને કચેરીઓ પીડાય છે

મોટરિંગ પબ્લિકની સરળતા માટે પૂર્વ કચ્છમાં પણ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી શરૂ કરવામાં આવી છે અને તેને જીજે 39 કોડ પણ આપવામાં આવ્યો છે. જોકે ઉદ્ઘાટનના 4 માસ પણ આ કચેરીમાં ટેસ્ટટ્રેક,લાયસન્સ સહિતની સુવિધાઓ લોકોને મળતી જ નથી.પરિણામે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ભુજની સાથે અંજારની કચેરી પણ સ્ટાફ ઘટ્ટથી પીડાઇ રહી છે. જો પૂરતો સ્ટાફ પૂરો પાડવામાં આવે તો મોટરિંગ પબ્લિકને ઘણી રાહત થાય તેમ છે.

ગત જુલાઈ મહિનામાં માર્ગ અને મકાન વિભાગના મંત્રીના હસ્તે અંજાર ખાતે પૂર્વ કચ્છની અલાયદી આરટીઓ કચેરી શરૂ કરવામાં આવી હતી.જેમાં અંજાર,ગાંધીધામ,ભચાઉ અને રાપર તાલુકાનો સમાવેશ કરાયો છે. જેમાં ટેસ્ટટ્રેક, લાયસન્સ સહિતની તમામ સુવિધાઓ આપી જીજે 39 કોડ પણ આપવામાં આવ્યો છે.

જેથી પૂર્વ કચ્છના મોટરિંગ પબ્લિક અરજદારોને આરટીઓના કામ માટે ભુજના ધક્કા ખાવા નહિ પડે તેવો દાવો કરાયો હતો પણ હાલની સ્થિતિ તદ્દન વિપરીત છે.અગાઉ ગાંધીધામ કચેરીમાં જે કામો થતા હતા તે જ કામો હાલમાં થાય છે.ટેસ્ટટ્રેક છે પણ કેમેરો લાગ્યો ન હોવાથી કામગીરીમાં ગ્રહણ છે તો જીજે 39 કોડ શરૂ કરવા માટે મૌખિક સૂચના આપી દેવાઈ છે પણ કમિશનર કચેરીએથી લેખિત પત્રવ્યવહાર બાકી છે.અને ટેક્નિકલ ક્ષતિના કારણે આરસી બુક,લાયસન્સ સહિતની કામગીરીઓ અટકી પડી છે ત્યારે જલ્દીથી અંજારની આરટીઓ કચેરીમાં તમામ કામગીરી શરૂ થાય તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

ફર્નિચર અને સિસ્ટમ હજી નવી નથી આવી
નવી કચેરીમાં ફર્નિચર અને કોમ્પ્યુટર સિસ્ટમ સહિતના સાધનો હજી જૂની કચેરીના જ છે.નવા સાધનો માટે માંગણી મુકવામાં આવી છે પણ હજી આવ્યા નથી.

NOC અને M-પરિવહનમાં GJ 39 કોડ બતાવાય : ઓફલાઇન સેવા બંધ
સૂત્રોએ જણાવ્યું કે,કેટલાક વાહનોની એનઓસીમાં જીજે 39 કોડ બતાવવામાં આવ્યો છે તો એમ પરિવહનની વેબસાઈટમાં પણ જીજે 39 કોડ દર્શાવવામાં આવી રહ્યો છે પણ કચેરીમાં લાયસન્સ અને ટેસ્ટટ્રેકના કામો થતા નથી.ઓનલાઇન કોડ બતાવાય અને ઓફલાઈનમાં સેવા મળતી નથી.

આને કહેવાય સ્ટાફઘટ : ભુજની કચેરીમાં ક્લાર્કના કામો ઇન્સ્પેક્ટરોને કરવા પડે છે
ભુજની આરટીઓ કચેરીમાં આમ પણ અડધોઅડધ સ્ટાફની ઘટ હતી તે વચ્ચે દિવાળી પૂર્વે અંજારની કચેરી શરૂ કરવા માટે ઇન્સ્પેક્ટર સહિત રહી ગયેલા ક્લાર્કની આ કચેરીમાં બદલી કરી દેવાતા એકાદ-બે દિવસમાં અંજારની ઓફીસ શરૂ થાય તેવી વાતો હતી પણ આ વાતો પોકળ સાબિત થઈ હતી.હાલની સ્થિતિએ ભુજની આરટીઓ કચેરીમાં માત્ર એકાદ-બે ક્લાર્ક છે.જેથી ઇન્સ્પેક્ટરોને વહીવટી કામગીરી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...