ભચાઉ-ભુજ વાયા દુધઈ ધોરમાર્ગ પર શિકરા ગામ નજીક ભયજનક ગોળાઈના કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત થતા રહે છે. જેના નિવારણ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ ના આવતા આજે શુક્રવારે સવારે એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ અને કુંભારડી ગામના સરપંચની રાહબરી હેઠળ ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ સ્થાનિક પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન જિલ્લા ભજપ પ્રમુખ કેશુ પટેલ પસાર થતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું.
આ વિશે કુંભારડી ગામના સરપંચ દેવસી રબારીએ જણાવ્યું હતું કે, ભચાઉ-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પરના કાગેશ્વર મહાદેવ મંદિર પાસે, ટોલટેક્ષ બાજુમા ભયંકર ગોલાઈ હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. ભચાઉથી મોરગર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં પણ હોવાથી અહીં નાના-મોટા અકસ્માત થતા રહે છે. આ બાબતે અનેક વખત કુભારડી ગામના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્રે આજ દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. જેના સંદર્ભે આજે માર્ગ પર ચક્કાજામ કરવો પડ્યો હતો. આ વેળાએ એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ તેમજ આસપાસ લોકો જોડાયા હતા.
વિશેષ ચક્કાજામ શરૂ થતાની સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુ પટેલ અહીંથી પસાર થતા તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. જેથી આંદોલન સમેટાય ગયું હતું. સમાધાનમાં ભચાઉ પોલીસ અને એસપી સહિતના અધિકારીએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી અને 10 મિનિટમાં ચક્કાજામ પૂરૂ થઈ ગયાનું પીઆઇ વસાવાએ જણાવ્યું હતું.
હવે તો ખુદ શાશક પક્ષના જ આગેવાનો વિરોધમાં જોડાયા
અનેક એવી સમસ્યાઓ છે જે બાબતે લોકો તંત્ર તેમજ શાશક પક્ષના લોકનેતા પાસે રજુઆતો કરે છે તે જ રીતે આ દુધઇ રોડ બાબતે પણ અનેક રજુઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઇ નીરાકરણ ન આવતાં આખરે લોકરોષ ચક્કાજામ સ્વરુપે રસ્તા પર ઉતર્યો હતો જેમાં હવે તો ખુદ શાશક પક્ષના આગેવાનો પણ આ વિરોધમાં જોડાયા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ સમજાવટ દરમિયાન વીડિયોમાં અપશબ્દ બોલતા સંભળાયા
શિકરા પાસે ખરાબ રસ્તાને કારણે વધતા અકસ્માતના બનાવો બાદ રસ્તાનું સમારકામ ન કરાતાં આજે શાશક પક્ષના નેતાઓ સાથે સરપંચો તેમજ ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જે બાબતની જાણ થતાં જ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ લોકોને સમજાવી ખાતરી આપી રહ્યા હતા તે દરમિયાન તેઓ એક અપશબ્દ બોલી ગયા હતા જે વીડીયો વાયરલ થતાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.