ભાવિન વોરા
ઇકોલોજી અને જીઓલોજીની ભૂમિ એટલે કચ્છ. ભાતીગળ જૈવ વિવિધતાની કોઇ સીમા નથી એમ કહી શકાય કારણ કે રણ, દરિયો અને ડુંગરની સ્થળ વ્યાપકતાના કારણે કુદરતી જૈવસંપત્તિ પાંગરી છે અને સંવર્ધિત થઇ છે. 3જી માર્ચે વિશ્વ વન્ય જીવ દિવસ ઉજવાય છે ત્યારે કચ્છની દ્રષ્ટિએ વાત કરીએ તો બન્નીના ઘાસિયા મેદાનો કે રણભૂમિ સહિત બાવળોના જંગલોથી માંડીને દરિયાઇ ખાડી સામે રક્ષણ આપતા ચેરિયાના જંગલો હોય કે ધિણોધર, કાળોડુંગરની ફરતે આવેલા જંગલોમાં કુદરતી આહાર ચક્રના આધારે સતત સંવર્ધિત થતા, ટકી ગયેલા છતાં લુપ્તતાના આરે આવેલા પ્રાણીઓ અને 400થી વધુ જાતિના પંખીઓ પણ કચ્છની ઓળખ બન્યા છે.
વિશ્વ વન દિવસે આવા કેટલાક પ્રાણીઓની શું સ્થિતિ અથવા શું ભવિષ્ય તેના સંદર્ભે નિષ્ણાતોના અભિપ્રાય લેતા હકારાત્મક પાસા સામે આવ્યા અને ટકાઉ વિકાસની વ્યાખ્યાના પડકાર સામે હેણોતરો, સાંઢા કે દરિયાઇ જીવ સૃષ્ટિના જળચરોને ટકાવવાના સંશોધન કચ્છમાં થઇ રહ્યા છે અને તેના તારણોના આધારે આવા પ્રાણીઓને રક્ષિત કરવાના ઉપાયો દર્શાવવામાં આવે તેવી બાબત સામે આવી છે. સરવાળે, એક પ્રસ્થાપિત તારણ છે કે, કચ્છ તેની ભૂગોળ અને ઇકોલોજીના કારણે એક અનોખો વિસ્તાર છે. અને વન્યજીવનના અભ્યાસ માટે ખુલ્લી પ્રયોગશાળા તરીકે પ્રખ્યાત છે.
ગુજરાતમાં માત્ર કચ્છમાં વસતા હેણોતરા માટે વનવિભાગ વિસ્તાર મુજબ સંશોધન હાથ ધરશે
બિલાડી કુળનું આ પ્રાણી કયા વિસ્તારમાં, તેની સમસ્યાઓ, ઉકેલના મુદ્દા સમાવાશે
બિલાડી કુળનું આ જંગલી નાજુક પ્રાણી કુદરતી રીતે કચ્છમાં સંવર્ધિત થતું રહ્યું છે. ભારતમાં રાજસ્થાન અને ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળતા હેણોતરા (કેરેકલ) માટે હવે વન વિભાગ પણ આગળ આવ્યો છે અને આગામી દિવસોમાં તેના રહેવાના સ્થાન, તેની આદતો, સંવર્ધન માટેની સમસ્યાઓ અને ઉકેલ માટે ખાસ સંશોધનાત્મક કાર્યક્રમ કરે તેવું આયોજન ઘડાઇ રહ્યું છે.
કચ્છના વન વિભાગના વડા વિશ્વદિપસિંહ રાણાએ ‘ભાસ્કર’ને જણાવ્યું હતું કે, હેણોતરાના સંશોધન માટે વન ખાતું સ્થાનિકે તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને ઉનાળામાં કામગીરી આગળ વધશે. કેરેકલના એનિમલ ડિસ્ટ્રીબ્યૂશનની સ્થિતિ શું છે એટલે કે હાલમાં જિલ્લાના કયા વિસ્તારમાં જોવા મળે છે અને તેની વસાહત છે કે કેમ ? કયા વિસ્તારમાં તેનું કુદરતી રીતે વધુ સંવર્ધન થઇ રહ્યું છે ? તેના સહિતના મુદ્દાઓ ચકાસાશે. તો ઉંદરકુળના જીવભક્ષી આ પ્રાણીની હોમ રેન્જ એટલે કે કેટલા વિસ્તારને આવરી લે છે તે પણ જોવાશે. રાણાના જણાવ્યા મુજબ આ એક જવલ્લેજ જોવા મળતું પ્રાણી છે.
પણ, કચ્છમાં ટકી ગયું છે. ગુજરાતમાં માત્ર કચ્છમાં દેખાય છે અને હવે તેને ટકાવી રાખવા સહિતના પ્રયાસો આવરી લેવાશે. કાનની ઉપર વાળની પૂંછ ધરાવતુ આ પ્રાણી નેચર લવરને ખૂબ આકર્ષે છે. કચ્છમાં કયા કયા વિસ્તારમાં આ જંગલી બિલાડી જેવું પ્રાણી વિચરી રહ્યું છે. તેના સહિતનું સંશોધન આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. જે જીવસૃષ્ટિને ઉપયોગી બનશે.
પ્રાણીઓનો માનવ સાથે સંઘર્ષ ઓછો તેમ છતાં જાગૃતિ જરૂરી
ઇકોસિસ્ટમ્સ જ સમૃદ્ધ વિવિધતાને સમર્થન આપે છે. જેમાં મહત્વના પ્રાણીઓ જેમ કે દીપડો(લેપર્ડ), ઝરખ(હાઇના), કારાકલ (હેણોતરો), ચિંકારા, સ્પાયની (સાંઢો), ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ), નાના મોટા સુરખાબ કચ્છમાં જોવા મળે છે. ખાસ કરીને લેપર્ડ (દીપડા) તેમજ મગર સારી સંખ્યામાં જોવા મળ્યા.કચ્છમાં સારી સંખ્યામાં દીપડા અને મગર જોવા મળ્યા. નોંધનિય છે કે, માનવ પ્રાણીઓના સંઘર્ષના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે પ્રાણીઓને તેમના વિસ્તારમાં આહારચક્ર પ્રમાણે ખોરાક મળી જાય છે અને માનવ વસતિ સુધી પહોંચવાની જરૂર પડતી નથી.
આ ઉપરાંત આ બાબત એમ પણ સૂચવે છે કે કચ્છમાં હજુ પણ સ્વસ્થ ઇકોસિસ્ટમ છે. સંશોધન મુજબ, કચ્છના દરિયાકાંઠે દરિયાઇ જીવનની 150 થી વધુ પ્રજાતિઓ છે. એક મુદ્દો અહીં એ નોંધવો રહ્યો કે, માનવ અને પ્રકૃતિ વચ્ચે સમતુલા, વૈજ્ઞાનિક સમજણ અને જનજાગૃતિની વધુ જરૂર કચ્છમાં વન્યજીવોના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.