અકસ્માતે વાહન પલટી જવાના બનાવમાં વાહનમાલિકે ફરિયાદ નોંધાવી હતી અને વિમાની રકમ મેળવવા માટે ક્લેઇમ કરતા કંપનીએ ફરિયાદ ન થઈ હોવાની ટેક્નિકલ ક્ષતિ રજૂ કરીને દાવો નકારી કાઢતા જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં વીમા કંપની ટેક્નિકલ વિસંગતતાઓના આધારે વીમા ક્લેઇમ નકારી શકે નહીં તેવો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
આ કેસની વિગતો મુજબ,ગત તા.13/12/2014 ના ગાંધીધામની રુક્ષ્મણી ઇલેક્ટ્રીકસ કંપનીની માલિકીનું વાહન અકસ્માતે પલટી જતા તેની નુકસાનીનો કલેઈમ મેળવવા માટે બજાજ એલાયન્સ કંપનીને માલિકે જાણ કરી કલેઈમ ફોર્મ ભરી માંગણી કરી હતી.વીમા કંપની દ્વારા સર્વેયરની નિમણૂક કરાઈ ન હતી પરંતુ બનાવની સત્યતા તપાસવા ઇન્વેસ્ટિગેટરની નિમણૂક કરી તપાસ કરતા રહીશો દ્વારા વાહન અકસ્માત બન્યાનો રિપોર્ટ કરાયો હતો પણ બનાવની FIR માલિકે નહીં નોંધાવ્યાનું જણાવી કલેઈમ રદ કરવા માટેનો અભિપ્રાય કંપનીએ આપી રદ કર્યો હતો.
જેથી વાહનમાલિક દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી.જે ફરિયાદ અનવ્યે ફોરમ દ્વારા બનાવ સાચો છે પણ કલેઈમ નોંધાવવામાં વાહન માલિકે જે ટેકનિકલ ક્ષતિઓ કરી છે તેવી નજીવી ક્ષતિઓના આધારે કલેઈમ રદ કરવાનો નિર્ણય ગેર વ્યાજબી અને સેવામાં ખામી સમાન ગણાવ્યો હતો.
જેથી વાહન અકસ્માતની નુકસાનીની રકમ નોન સ્ટાન્ડર્ડ બેઝના નિયમને લક્ષમાં લઈ રૂ.3,49,297 ની રકમ 9% ના ચડત વ્યાજ સહિત ચૂકવવા તથા ફરિયાદીને ભોગવવી પડેલ માનસિક યાતના તથા કાનૂની ખર્ચના 8000 ચૂકવવા વીમા કંપની સામે જિલ્લા કમિશનના પ્રમુખ ઓઝા તથા સભ્ય કુમારી પિલ્લાઈ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. ફરિયાદી તરફે ભુજના એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન જેન્તીલાલ ભગત તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.