મેઘમહેર:ગુંદાલામાં એક ઇંચ, ગાંધીધામ અને અંજાર તાલુકામાં ઝાપટા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી
  • મેઘાવી માહોલ અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા, અંજાર શહેરો જોકે કોરા ધાકોર રહ્યા
  • ભુજમાં વાદળોનો જમાવડો

કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વચ્ચે મુન્દ્રા તાલુકાના ગુંદાલામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર અને ગાંધીધામ પંથકના કેટલાક ગામ ઝરમર સાથે ભીંજાયા હતા. બીજી બાજુ મેઘાવી માહોલ વચ્ચે મુન્દ્રા અને અંજાર કોરા રહ્યા હતા. મોટા ભાગના જિલ્લામાં દિવસભર વાદળો ઘેરાયેલા વાદળો મન મૂકીને વરસ્યા ન હતા. દરમિયાન કચ્છમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી રહી છે. વહેલી સવારથી અસહ્ય ઉકળાટ બાદ તાલુકા મથક મુન્દ્રા કોરું ધાકોર રહ્યું હતું જયારે તેનાથી આઠ કિલો મીટરના અંતરે આવેલા ગુંદાલામા મેઘરાજાએ હેત વરસાવતાં એક ઇંચ પાણી પડી ગયું હતું.

બપોરે સાડા ત્રણ થી સાડા ચાર દરમ્યાન એક કલાક ભારે ગાજવીજ સાથે અંદાજિત એક ઇંચ થી વધુ વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક વેપારી અજય ઠક્કરે જણાવ્યું હતું કે, કિસાનો અગાઉના સારા વરસાદને લઈને વાવણીની તૈયારીમાં હતા ત્યાં ફરી મેઘમહેર થતાં ભૂમિપુત્રોને નિરાશા સાંપડી છે. વિશેષમાં ઉપલા વાસમાં વરસાદ થકી જ્યાં એક પણ ટીપું પડ્યું ન હોય તેવા શેખડિયા ગામની પાપડી પર પાણી વહી નીકળ્યા હતા.

ગાંધીધામમાં દિવસભર બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું અને સાંજે કાળા ડિબાંગ વાદળો ગાજવીજ સાથે ચડી આવ્યા હતા પણ માત્ર ઝરમર વરસતાં માર્ગો ભીંજાયા હતા અને ગરમીનું જોર જારી રહ્યું હતું. ઘેરાયેલા વાદળો વચ્ચે અંજાર શેહર અને તાલુકામાં ભારે બફારો અનુભવાયો હતો તાલુકાના સતાપર, ભીમાસર, વરસામેડી, ખારા-મીઠા પસવારીયામાં મેઘો વરસતા લોકોને ઉકળાટમાંથી છુટકારો મળ્યો હતો. બીજી બાજુ અંજાર સાવ કોરું રહેતા શહેરીજનો ગરમીમાં અકળાયા હતા. અંજાર તાલુકાના અમુક ગામોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે વરસાદી પાણી વહી નીકળ્યા હતા.

ભેજની સાથે ગરમી અને ઉકળાટ વધ્યા
વરસાદની આગાહી વચ્ચે મોટા ભાગના કચ્છમાં વાદળો છવાયેલા રહ્યા હતા તેની સાથે ભેજનું પ્રમાણ સવારે સરેરાશ 85 અને સાંજે 75 ટકા જેટલું રહેતાં દિવસભર બફારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાન 1થી બે ડિગ્રી જેટલું ઉંચકાતાં ગરમી વધી હતી. ભુુજમાં ઉંચું ઉષ્ણતામાન 34.5, નલિયા ખાતે 33.8, કંડલા બંદરે 33.4 જ્યારે કંડલા એરપોર્ટ મથક પર 35.2 ડિગ્રી નોંધાયું હતું પરિણામે ગરમી જોર પકડતી જણાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...