ખાવડાના દિનારામાં વીજબીલના બાકી નાણા ઉઘરાવવા ગયેલ પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરી ગાડીનો સાઈડ ગ્લાસ અને ઇયરફોન તોડી આરોપીઓએ ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોધાઈ છે.સ્થાનિકેથી મળેલ માહિતી મુજબ વીજતંત્રએ આખા ગામની લાઈટ બંધ કરતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં રહેતા અને ખાવડા પીજીવીસીએલમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા નીલેશ રસિકભાઈ ચોહાણે ખાવડા પોલીસ મથકે મોટા દિનારા ગામના આરોપી સાલે મામદ સમા અને જબ્બાર સાલે સમા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.ફરિયાદી મોટા દિનારા ગામે આરોપીની દુકાને વીજબીલના બાકી રહેતા રૂપિયા 9055 ની ઉઘરાણી કરવા ગયા હતા.
એ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીઓએ વીજ કર્મચારીને ભૂંડી ગાળો બોલી સાથે આવેલ અન્ય કર્મચારીનો ઈયરફોન તોડી તેમજ બોલેરો ગારીનો સાઈડ ગ્લાસ તોડી નુકશાન પહોચાડ્યું હતું.આરોપીઓએ ફરિયાદીને મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવને પગલે ખાવડા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો બનાવને પગલે મોટા દિનારા ગામના માજી સરપંચ ગની હાજી જુસબે જણાવ્યુકે વીજતંત્રના અધિકારીઓ પર હુમલો થતા તંત્ર દ્વારા આખા ગામની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી.પાડાના વાંકે પખાલીને ડામ દેતા લોકોને સમસ્યા ભોગવવી પડી હતી.વાડી હાલ બોર્ડની પરિક્ષા ચાલુ હોતા ગામના વિદ્યાર્થીઓને પણ લાઈટ બંધ હોવાના કારણે અડચણ ઉભી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.