ફાગળ માસની પૂર્ણિમાની સંધ્યાકાળે ઉજવાતો હોળીનો તહેવાર પ્રેમ, વસંત અને રંગોના સમન્વયને ઉજાગર કરે છે. એવા મહત્વના પર્વને હિન્દૂ ધર્મના લોકો પરંપરાગત રીતે હર્ષોલ્લાસથી ઉજવતા આવ્યા છે. ત્યારે ભુજના કુકમાં ગામે 4 થી 5 સ્થળે હોળીકા દહનનો કાર્યક્રમ ઉજવાય છે, તેમાં ગામના એક વૃદ્ધ દંપતી પોતાના અનોખા શ્રમદાન વડે વર્ષભેર થેપેલાં છાણાઓ દાન કરી અનોખો સહયોગ પૂરો પાડે છે. વલજીભાઈ સુથાર દરરોજ ગામના માર્ગો પર પડેલા ગાય ભેંસના ગોબરને એકત્ર કરી હોળી માટે છાણા તૈયાર કરે છે. તેમાં તેમના પત્ની દમયંતીબેન પૂરતો સહયોગ આપે છે.
ભુજ તાલુકાના અંજાર માર્ગે આવતા કુકમા ગામમાં હોળી માટે છાણા તૈયાર કરતા વાલજીભાઈ સુથાર અને તેમના પત્ની દમયંતિબેન દ્વારા અનોખો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. નિવૃતીકાળમાં વાલજી બાપા સેવા પ્રવુતિ કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. કારપેન્ટરની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા વલમજીભાઈ અને તેમના પત્ની રોજ સવારે ચાર વાગ્યે ઉઠી ગામના રસ્તાઓ ઉપર પડેલા ગાયના ગોબરને એકત્ર કરી લાવે છે. આ ગોબરને ઘરના ખુલ્લા વાડામાં રાખી તેમાંથી છાણા થેપી સૂકવવા રાખે છે. બાદમાં તૈયાર થયેલા છાણા તેઓ ગામના સ્મશાનમાં અને જરૂરતમંદ લોકોને દાનમાં આપી અનોખી સેવા પ્રવુતિ કરી રહ્યા છે. જ્યારે બાકીના તમામ છાણાનો જથ્થો તેઓ હોળીના દિવસે વિવિધ હોળી મંડળોને દાન કરી આપે છે. આ સદકાર્ય તેઓ છેલ્લા સાત-આઠ વર્ષથી કરી રહ્યા છે. આ કાર્યમાં તેમના પત્ની દમયંતીબેનનો વિશેષ ફાળો રહેલો છે.
છાણા તૈયાર કરીને દાન આપતા વલમજીભાઈનું કહેવું છે કે હું વહેલી સવારે જાગી ગામના માર્ગો પરથી ગાય ભેંસના ગોબર એકત્ર કરીને ઘરે લઈ જઈએ છીએ. ઘરના વાડામાં બપોર સુધી છાણા બનાવીએ છીએ. જે બાદમાં તૈયાર થઇ જતા ગામમાં યોજાતા હોલિકા દહનના કાર્યમાં દાન કરીએ છીએ. આ પ્રવુતિ છેલ્લા આઠ વર્ષથી કરીએ છીએ તેમાં હવે ત્રણ વર્ષથી સ્મશાનમાં પણ આપીએ છીએ. દરરોજ 70થી 120 જેટલા છાણા બનાવી લઉં છું.
80 વર્ષીય વલમજીભાઈના સેવા કાર્યમાં તેમના પત્ની દમયંતીબેન પૂરતો સાથ આપે છે. આ દંપતી દરરોજ સવારે 4 વાગે ઉઠી ગામમાં ગાયનું ગોબર એકત્ર કરવા નીકળે છે. ગાયનું ગોબર એકત્ર કર્યા બાદ ઘરે આવી તેના છાણા બનાવે છે અને દર અઠવાડિયે અથવા 15 દિવસે છાણાનું ગામના સ્મશાનમાં અને જરૂરતમંદ લોકોને દાન કરે છે. આ ઉપરાંત તેઓ હોળીના તહેવાર નિમિત્તે હોલિકા દહન માટે પણ આ છાણાનું દાન કરે છે. નિવૃત્તિ કાળ દરમ્યાન સેવા કાર્યથી તેમને આનંદ સાથે સદકાર્ય કાર્યની અનુભૂતિ થાય છે. તેમના આ કાર્યની ગ્રામજનો પણ સરાહના કરે છે.
ગામમાં અનોખી સેવા આપતા દંપતી વિશે કુકમાંના સરપંચ ઉત્તમ રાઠોડ સાથે વાત કરતા તેમણે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે વલમજીભાઈ અને તેમના પત્ની દમયંતીબેન ઘણા સમયથી છાણા તૈયાર કરી દાન આપવાની પ્રવુતિ કરે છે. તેમની એક પુત્રી નાનપણથીજ સંપૂર્ણ વિકલાંગ છે. તેના દેખભાળની જવાબદારી વચ્ચે તેઓ આ સેવાપ્રવૃત્તિ કરે છે. તે ખૂબ સરાહનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.