ફરિયાદ:બાડામાં મજૂરોની મશ્કરી મુદ્દે મામલો બિચકતા યુવાનની હત્યાનો પ્રયાસ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા-પુત્રો સહિત ચાર સામે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

માંડવી તાલુકાના બાડા ગામે પિતા અને પુત્રો મળી ચાર જણાએ વાડીમાલીક પર ઘાતક હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવ સંદર્ભે માંડવી પોલીસમાં ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ થતાં આરોપીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

બાડા ગામે રહેતા નરેન્દ્રસિંહ નાનુભા પઢિયારે માંડવી પોલીસ મથકે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.વાડીએથી ટ્રેક્ટરમાં મજૂર લઇ ઘરે આવતા સમયે મજૂરોની મશ્કરી કરતા ફરિયાદીએ આરોપીને ઠપકો આપ્યો હતો.જેનું મનદુઃખ રાખી બાડા ગામના નરશીભાઈ કોલી,રાજેશ કોલી,મુકેશ કોલી અને દિપક કોલીએ રાત્રે નવેક વાગ્યાના અરસામાં ફરિયાદીની વાડીએ જઈ બોલાચાલી કરી મારામારી કરી હતી.જેમાં ફરિયાદીને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવને પગલે રાડારાડી કરતા આસપાસથી અન્ય લોકો દોડી આવ્યા હતા.જેથી આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક લઇ નાસી છૂટ્યા હતા.ગંભીર ઈજાને કારણે ફરિયાદીને માંડવીની એમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જેમાં માથાના ભાગે 22 ટાંકા આવ્યા હતા.બનાવને પગલે માંડવી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...