ભુજ નગરપાલિકાઅે ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સામે બનતા બસ પોર્ટ અાડે નડતર રૂપ સુધરાઈની માલિકીની દુકાનો તોડી પાડીને રિડેવલોપમેન્ટની કામગીરી પાર પાડવાનો ઠરાવ કરવા ગુરુવારે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. જે ઠરાવ પસાર થયા બાદ મુખ્ય અધિકારીઅે નગર નિયોજકની કચેરીને પત્ર લખીને શોપિંગ સેન્ટરની જાહેર હરાજીથી ભાડાપટ્ટે અાપવા અાકારણી કરી અાપવા માંગણી મૂકી હતી.
બસ પોર્ટ અાડે અાવેલી અને નડતરરૂપ ભુજ નગરપાલિકાની દુકાનોના ભાડૂતો સાથે રિડેવલોપમેન્ટની સહમતિ સધાઈ ગઈ છે, જેથી ખાસ સામાન્ય સભામાં બાંધકામની પ્રક્રિયા અને નવા કરારને બહાલી અાપવાની પ્રક્રિયાના ભાગ રૂપે ઠરાવ પસાર કરાયો હતો, જેમાં દુકાનો પી.પી.પી.ના ધોરણે બનાવવા ઠરાવાયું હતું.
ગ્રાઉન્ડ ફ્લોર પરના ભુજ નગરપાલિકાના દુકાનધારકોને કપાતમાં જતી જગ્યા સિવાય અેજ સ્થળે ગ્રાઉન્ડ ફ્લોર પર જ નવા રિડેવલોપમેન્ટ પ્લાન્ટમાં સમાવવા નક્કી થયું હતું. ટેરેસના ભાડૂતો કે જેમણે વધુ ઊંચાઈની મંજુરી મેળવી ડબલ ટેરેસનો ઉપયોગ કર્યો છે તેઅોને સિંગલ ટેરેસની જ ફાળવણી કરવામાં અાવશે.
ભાડૂતોને દુકાનોનો ફાળવણી કર્યા બાદ વધતી જગ્યા ભુજ નગરપાલિકાની માલિકીની રખાશે. જે માટે પી.પી.પી.ના ધોરણે અોન લાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવા અને અેજન્ડસીની નિયુક્તિ કરવાની સત્તા મુખ્ય અધિકારીને સુપરત કરતો ઠરાવ કરવામાં અાવ્યો હતો.
ખાસ સામાન્ય સભાના અધ્યક્ષ સ્થાને નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર રહ્યા હતા. મંચસ્થ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી અને મુખ્ય અધિકારી જીગર પટેલ રહ્યા હતા. જ્યારે ઠરાવોનું વાંચન કારોબારી ચેરમેન જગત વ્યાસે કર્યું હતું. ઠરાવને ટેકો બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજાઅે અાપ્યો હતો. સમગ્ર કાર્યવાહીનું સંચાલન અને વ્યવસ્થા કુણાલ ભીંડે અને મેહુલ વૈષ્ણવે સંભાળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.