• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Amul's 'Made In Moonlight' Ice Cream Will Now Be Available In The Middle East, Africa And America, Cross border Dairy Products In Milk Products.

‘સરહદ ડેરી’ સરહદ પાર:હવે મિડલ-ઈસ્ટ આફ્રિકા તથા અમેરિકામાં અમૂલની ‘મેઇડ ઈન ચાંદ્રાણી’ આઈસ્ક્રીમ મળશે

ભુજ14 દિવસ પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
સરહદ ડેરી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સરહદ ડેરી - ફાઇલ તસવીર
  • સરહદ ડેરી દ્વારા કચ્છના પ્રથમ એકસપોર્ટ ઓરિએન્ટેડ આઈસક્રીમ પ્લાન્ટનું આયોજન પૂરજોશમાં

દેશવિદેશમાં એક્સપોર્ટ થતી અમૂલની આઈસ્ક્રીમ હવે રણપ્રદેશ કચ્છમાં બનશે અને વિદેશમાં કચ્છની ધરતીમાં નિર્માણ પામેલો મીઠો ચટકો ચાખવા મળશે.મિડલ ઈસ્ટ,આફ્રિકા તથા અમેરિકામાં એક્સપોર્ટ થતી અમૂલની આઈસ્ક્રીમ હવે ચાંદ્રાણીમાં બનશે અને વિદેશીઓને ‘મેઇડ ઈન કચ્છ’ આઈસ્ક્રીમનો સ્વાદ મળશે,આ રીતે દૂધ ઉત્પાદનોમાં સરહદ ડેરી સરહદ પાર પહોંચી જશે.

દૂધ સંઘને અમૂલ દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટ બનાવવા મંજૂરી
GCMMF ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજીભાઈ હુંબલે જણાવ્યું કે,આઈસ્ક્રીમ પ્લાન્ટની વાત કરીએ તો, અત્યારે ગુજરાતમાં ૫૦ વર્ષથી કાર્યરત સંઘો જ આઈસ્ક્રીમ પ્લાન્ટ ચલાવી રહ્યા છે. પ્રથમ વખત ૧૩ વર્ષથી જ કાર્યરત હોય તેવા દૂધ સંઘને અમૂલ દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટ બનાવવા મંજૂરી અપાઈ છે.

આફ્રિકા તથા અમેરિકા જેવા દેશોમાં આઈસ્ક્રીમ એક્સપોર્ટ થશે
આ આઈસ્ક્રીમ પ્લાન્ટ કચ્છ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓની આઈસ્ક્રીમની ખપત પૂરી પાડશે અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ આ પ્લાન્ટ નિર્માણાધીન છે, જેથી વિદેશમાં જતી આઈસ્ક્રીમ પર મેઇડ ઈન કચ્છ જોવા મળશે.આ પ્લાન્ટ અંદાજે ૭૫ કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે આ પ્લાન્ટ થકી અમૂલ મિડલ ઈસ્ટ,આફ્રિકા તથા અમેરિકા જેવા દેશો સહિતમાં આઈસ્ક્રીમ એક્સપોર્ટ કરી શકે તે પ્રમાણે અધતન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

પ્લાન્ટની વિસ્તરણ ક્ષમતા ૧૦ લાખ લિટર
આ પ્લાન્ટ થકી દૈનિક ૪ લાખ લીટર દૂધ, ૨ લાખ લીટર છાસ, ૨૦ ટન દહી, ૫ ટન ઘી, ૩ ટન મીઠાઇ જેમાં પેંડા તથા કાજુકત્રી,૨ ટન પનીર આ તમામ દૂધની બનાવટો તૈયાર કરી અને અમૂલના નામે કચ્છ જિલ્લા તથા આજુ બાજુના જિલ્લાઓમાં વેચાણ થશે.આ પ્લાન્ટની વિસ્તરણ ક્ષમતા ૧૦ લાખ લિટર સુધીનું દૈનિક દૂધ હેન્ડલ કરવાની છે.

કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ૨૩.૧૬ કરોડની ગ્રાન્ટ મળી
આ પ્લાન્ટ માટે આર.કે.વી.વાય યોજના અંતર્ગત કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ૨૩.૧૬ કરોડની ગ્રાન્ટ મળેલ છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહાયતાથી આકાર પામેલ આ પ્લાન્ટ થકી સરહદ ડેરી પશુપાલકોના દૂધને વિવિધ દૂધની બનાવટમાં ફેરવી વધુને વધુ સારા દૂધના ભાવો ચૂકવી શકશે. આ પ્લાન્ટની સંપૂર્ણ વીજળીની ખપત ૩ મેગા વોટના સોલર પાવર પ્લાન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.

કચ્છ કુરિયને અમૂલમાં વાઇસ ચેરમેન બન્યા બાદ જિલ્લા માટે તકો ખોલી
સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ GCMMF ફેડરેશનના વાઇસ ચેરમેન બન્યા બાદ કચ્છ જિલ્લામાં અમૂલ ની સ્વતંત્ર માર્કેટિંગ ઓફિસ કચ્છમાં લાવ્યા, આ ઉપરાંત ૨૦૦ કરોડનો ડેરી પ્લાન્ટ મંજૂર કરાવ્યો જેમાં ૩ ટન નવીન મીઠાઇ પ્લાન્ટ તથા ૨૦ થી ૩૦ હજાર લી દૈનિક ક્ષમતાનો અમૂલ આઇસ્ક્રીમ પ્લાન્ટને પણ કચ્છ માટે મંજૂરી અપાવી દીધેલ છે. અગાઉ અમૂલની માર્કેટિંગ ઓફિસ સુરેન્દ્રનગર સાથે સંયુક્ત હતી. કચ્છમાં સ્વતંત્ર માર્કેટિંગ ઓફિસ હોવાથી અમૂલ નું દૂધ ગામડાઓ સુધી પહોચશે અને જેના થકી કચ્છમાં અમૂલનું વેચાણ વધશે જેનો સુધો ફાયદો કચ્છના ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને થશે.

લોકાર્પણ માટે પી.એમ મોદીની જોવાતી રાહ
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા ગત વર્ષે PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલી ખાત-મુહૂર્ત કરી અને કચ્છ જિલ્લાનો આધુનિક ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર સંચાલિત દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ ને પેકેજિંગ પ્લાન્ટનું ૨૦૦ કરોડના ખર્ચે કામ હાથ ધરેલ હતું.આ પ્લાન્ટના લોકાપર્ણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કચ્છ જિલ્લાના પ્રવાસની રાહ જોવાઈ રહી છે

સંપૂર્ણ 100% સોલરથી સંચાલિત દેશનો આ પ્રથમ ડેરી પ્લાન્ટ
ક્લાઈમેટ ચેન્જની વૈશ્વિકસ્તરે ચર્ચાઓ વચ્ચે કાર્બન ફૂટપ્રિન્ટ સુધારવા નિર્ણય લેવાયો હતો.જેમાં આ પ્લાન્ટનો કાર્બન એમિશન ઘટાડવામાં મહત્વ પૂર્ણ ફાળો રહેશે. એકતરફ વિશ્વ આખુંય પન:પ્રાપય ઉર્જા તરફ વળી રહ્યું છે ત્યારે આ પ્લાન્ટનો કાર્બન ફૂટપ્રિન્ટ સુધારવામાં યોગદાન આપશે.ડેરીના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ સંપૂર્ણ ૧૦૦% સોલરથી સંચાલિત દેશનો આ પ્રથમ ડેરી પ્લાન્ટ છે

અન્ય સમાચારો પણ છે...