તકલીફો વેઠીને અધિકારી બનવાનો માર્ગ કંડાર્યો:હીમોફીલીયાના દર્દની મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષ કર્યો, ભુજનો યુવાન સરકારની જૂદી જૂદી ત્રણ પરીક્ષામાં ઉતીર્ણ થયો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી કચ્છમાં મોંઘાદાટ ઇન્જેકશન મફતમાં ઉપલબ્ધ કરાવતા કલાસ-2 ઓફીસર બનવાનું સપનું પુર્ણ કરી શક્યો: વિવેકભાઇ યાદવ

હીમોફીલીયાના દર્દની મુશ્કેલીઓ વચ્ચે ભુજના યુવાને અનેક તકલીફો વેઠીને સરકારી અધિકારી બનવાનો માર્ગ કંડાર્યો છે. આ યુવાને અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રીએ હીમોફીલીયાના દર્દીઓની પીડા સમજીને કચ્છમાં મોંઘાદાટ ઇન્જેકશન મફતમાં ઉપલબ્ધ કરાવતા યુવાન કલાસ-2 ઓફીસર બનવાનું સપનું પુર્ણ કરી શક્યો છે.

વડાપ્રધાનનો આભાર વ્યકત કરતા ભુજના 27 વર્ષીય વિવેકભાઇ નિતીન યાદવે જણાવ્યું હતું કે, જન્મજાત હું હીમોફીલીયા- એ નામના રોગથી પીડીત છું. મારા બે ભાઇઓને પણ હીમોફીલીયા છે. આ રોગમાં ફેકટર-8 નામના પ્રોટીન ટાઇપ્સની ઉણપ હોવાથી લોહી ગંઠાવાની પ્રક્રીયા થતી નથી. જેથી જ્યારે પણ કંઇ વાગે તો લોહી બંધ થતું નથી. ઉપરાંત દર્દીને આંતરીક બ્લીડીંગ પણ થતું હોય છે જે દિવસો સુધી બંધ ન થતાં દર્દી કાયમી દિવ્યાંગતાનો ભોગ બનતો હોય છે. આ જ પરિસ્થિતિ સામે હું નાનપણથી સંઘર્ષ કરી રહ્યો છું. પરંતુ હવે આની મોંઘીદાટ સારવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભુજની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવતા, મારા જેવા અનેક દર્દીઓને રાહત અને માનસિક શાંતિનો અહેસાસ થયો છે.

આ ઉપરાંત અનેક યુવા દર્દીઓ પોતાના સપનાને આંબવા ઉંચી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છે. કચ્છમાં જ સુવિધા અને સારવાર નસીબ થતાં સમય અને શક્તિનો સદઉપયોગ કરીને મે કલાસ-૨ અને ૩ની ત્રણ સરકારી પરીક્ષા ઉત્તીર્ણ કરી છે ટુંક સમયમાં રાજ્ય વેરા અધિકારી કલાસ-2 તરીકે સેવા શરૂ કરીશ.

નાનપણથી સરકારી અધિકારી બનવાની ઈચ્છા હતી પરતું મારા માટે એ શક્ય ન હતું . ભુજમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન મને વારંવાર બહારથી ઘા લાગી જવો કે આંતરીક બ્લીડીંગ થતું ત્યારે શાળામાંથી બે અઠવાડીયા સુધી રજા રાખીને ઘરે રહેવું પડતું. કયારેક તો એક માસમાં બે વાર આવું થતું. તે સમયે કચ્છની સિવિલ હોસ્પિટલમાં હીમોફીલીયાના ઇન્જેકશનની મફત સારવાર ઉપલબ્ધ ન હોવાથી મારે અને મારા ભાઈઓને વૈકલ્પિક સારવાર એવી લોહી ચડાવવું કે પ્લાઝમા ચડાવવાની સારવાર લેવી પડતી. જે બાદ 14થી 15 દિવસ ફરજિયાત આરામ કરવો પડતો હતો.

મારા પિતાજી રસ્તા પર રેકડીમાં ભાણું બનાવી લોકોને પીરસી પરિવારનું ગુજરાન ચલાવે છે તેથી અમદાવાદ કે રાજકોટ સુધી પથારીવશ અવસ્થામાં મને કે મારા ભાઈઓને લઇ જવા શક્ય ન હતું. આ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને મે મારું ધો.12 તથા કોલેજ સુધીનું શિક્ષણ એકસટર્નલ જ પુર્ણ કર્યું . વર્ષ 2017માં મે જાહેર ફરીયાદ નિવારણ પોર્ટલ પર વડાપ્રધાનને હીમોફીલીયાના દર્દીઓની મુશ્કેલી તથા કચ્છમાં ભુજની સિવિલ હોસ્પિટલમાં રૂ. 70થી 80 હજારના મળતા ઇન્જેકશનોની મફત સારવાર ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી. જેના જવાબમાં થોડા માસમાં જ આ સારવાર કચ્છમાં જિલ્લાકક્ષાએ મળવાની શરૂ થઇ જતાં મારા જેવા જિલ્લાના અનેક દર્દીઓની કાયમી સમસ્યાનો અંત આવ્યો. સ્થાનિકે સારવાર મળતા એ ફાયદો થયો કે, પહેલા મને આંતરીક કે બહારથી કંઇ ઘા વાગ્યા બાદ લોહી બંધ કરવા માટે લોહી ચડાવ્યા બાદ અઠવાડીયા કે દસ દિવસ સુધી બધું જ મુકીને ઘરમાં આરામ કરવાની ફરજ પડતી, પરતું ફેકટર -8ના ઇન્જેકશન લેતા બે જ દિવસમાં લોહી ગંઠાઇ જતું હોવાથી હું મારા શિક્ષણ કે અન્ય પ્રવૃત્તિમાં વધારે સમય અને શકિત આપતો થયો.

ખુબ ખર્ચાળ એવા આ ઇન્જેકશન રૂ. 70થી 80 હજારની કિંમતના થાય છે જે મને મહિનામાં એકથી બે વાર લેવાની ફરજ પડે છે. આમ છતાં રીકવરી બે દિવસમાં આવી જતી હોવાથી મને ફરી સરકારી અધિકારી બનવાનું સપનું પુરૂ કરવાનું મન થયું. જેથી વર્ષ 2017ના અંતથી મે આ દિશામાં તૈયારી શરૂ કરી દિધી. હવે ઇન્જેકશન થકી માત્ર બે દિવસમાં કામે વળગી શકતો હોવાથી વાંચનમાં એકાગ્રતા અને નિયમિતતા જળવાઇ રહી જેના કારણે હું સ્પીપામાં પરીક્ષાની તૈયારીની તાલીમ માટે પણ સિલેક્ટ થયો. ત્યાં તાલીમ લીધા બાદ મે ભુજમાં સરકારી લાઈબ્રેરીનો ઉપયોગ કરીને મારી તૈયારી ચાલું રાખી. આખરે હાલ હું સરકારની જુદી જુદી ત્રણ પરીક્ષામાં ઉતીર્ણ થયો છું. જેમાં કલાસ-3 ની ડેપ્યુટી સેકશન ઓફીસર, રાજ્યવેરા નિરિક્ષક તથા કલાસ-2માં રાજ્યવેરા અધિકારીની પોસ્ટમાં પસંદગી થઇ છે. ટુંક સમયમાં ઓર્ડર મળતા હું રાજ્યવેરા અધિકારી બનવાનું પસંદ કરીશ. આમ આખરે સરકારી અધિકારી બનવાનું મારૂ સપનું સાકાર થશે. આ માટે હું વડાપ્રધાનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...