ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે મોખાણા સીમ વિસ્તારમાં નિર્માણ પામનારી અંબિકા સ્ટીલ્સ ઇન્ડિયા લીમિટેડ નામની કંપની માટે સ્થાનિક લોક સુનાવણી યોજવામાં આવી હતી, જેનો ગ્રામજનોઅે ભારે વિરોધ કર્યો હતો અને અા કંપનીના કારણે આસપાસના 23 ગામોની જમીન અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી.સ્થાનિક અગ્રણીઓ, માલધારી વર્ગે રજૂઆત કરતાં સુનાવણી સ્થગિત કરવા જણાવ્યું હતું. પ્રારંભિક તબક્કે અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ચકમક બાદ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.
સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ બંદોબસ્ત સાથે લોક સુનાવણી હાથ ધરાઇ હતી. આ કંપનીના અભ્યાસ વિસ્તારમાં 23 ગામો આવેલા છે, જેના સ્થાનિક લોકોએ કંપનીથી પર્યાવરણને નુકસાન થવાની રજૂઆતો કરી હતી. આગામી દિવસોમાં કંપની ચાલુ થશે ત્યારે તેના લીધે પ્રદૂષણ ફેલાશે, જેથી ખેતીની જમીન, ચરિયાણ જમીન, વન્ય જીવો પર અવળી અસર પડશે. આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર વધુ પ્રમાણમાં છે તેમ છતાં પણ કંપની દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં તેનો ઉલ્લેખ ન કરી રાષ્ટ્રીય પક્ષીની અવગણના કરાઇ હતી. સુનાવણી દરમ્યાન કંપનીના અધિકારીઓ લોકોના સવાલોનો કોઈ તટસ્થ રીતે જવાબ આપી શક્યા ન હતા. તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈ સુનાવણી માટે આવેલા અધિકારીઓએ સ્થળ પર ચકાસણી કરી તમામ મુદ્દાઓની નોંધ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.