રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જીત મેળવવા માટે રણનીતી ઘડી રહી છે. બીજી તરફ વહીવટી તંત્ર અને સંસ્થાઓ વિવિધ રીતે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ત્યારે કચ્છનો દિવ્યાંગ પણ આ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ લોકોને મતદાન કરવા અપિલ કરી રહ્યો છે. આ દિવ્યાંગ શરીરથી ભલે અપંગ હોય પણ ગુજરાતની તમામ ચૂંટણીઓમાં ઘરે ઘરે ફરી લોકોને મતદાન કરવાની અપિલ કરી ઇલેક્શન કેમ્પેઇન ચલાવી રહ્યો છે.
લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. લોકશાહીના પર્વમાં રાજ્યનો દરેક નાગરિક મતદાન કરી સામેલ થાય એ માટે વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા વિવિધ રીતે મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે અંજાર તાલુકાના ટ્રાન્સપોર્ટ હબ તરીકે જાણીતા રત્નાલ ગામનો એક દિવ્યાંગ બેટરી સંચાલિત ખાસ બનાવેલા વાહન દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે. 37 વર્ષીય નંદલાલ સામજી છાંગા ( આહીર) છેલ્લા પાંચ વર્ષથી ગામમાં યોજાતી દરેક ચૂંટણી પૂર્વે ઇલેક્શન કેમ્પેઇન ચલાવે છે.
કલેક્ટર રેમ્યા મોહને ખાસ ઇલેક્શન આઇકોનનું બિરુદ આપ્યું હતું
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો પોતાનો અમૂલ્ય મત ગમતા ઉમેદવારને આપી નાગરીકત્વની ફરજ અદા કરે એ માટે મતદાન જાગૃતિ ફેલાવવાનું કામ કરતા 95 ટકા દિવ્યાંગ નંદલાલ છાંગા સાથે વાત કરતા તેમણે દિવ્યા ભાસ્કરને જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી હું ગામમાં યોજાતી દરેક ચૂંટણીમાં મતદાન કરતો આવ્યો છું. મતદાન વેળાએ સમાચાર માધ્યમો દ્વારા મારા ફોટા પ્રસિદ્ધ કરવામાં આવતા, તેનાથી પ્રેરાઈને મને અન્યો લોકોને પણ મતદાન અંગે જાગૃત કરવાનો વિચાર આવ્યો હતો. જેથી પાંચ વર્ષ પૂર્વે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ તેની શરૂઆત કરી હતી. આ વાત તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહનના ધ્યાનમાં આવતા તેમણે ભુજ બોલાવી મને જાહેર કાર્યક્રમમાં ખાસ ઇલેક્શન આઇકોનનું બિરુદ પણ આપ્યું હતું. હવે દરેક ચૂંટણીમાં હું મારા વાહન મારફતે બજારો અને ઘરોમાં ફરી મતદાન કરવા લોકોમાં જાગૃતિ ફેલાવું છું.
દિવ્યાંગ છતાં મતદાન કરતો હોવ તો અન્ય લોકોએ મતદાન કરવું જોઈએઃ યુવક
નંદલાલે વધુમાં જણાવ્યું કે, હું દિવ્યાંગ હોવા છતાં જો ચૂંટણીમાં મતદાન કરી શકતો હોઉ તો પછી શારીરિક સ્વસ્થ લોકોએ પણ અચૂક વોટિંગ કરવું જોઈએ. મારા કાર્યથી લોકો પણ પ્રેરાઈને મતદાન કરવા જાય છે અને મને તેની જાણ પણ કરતા હોય છે. જે મારા માટે ખુબ જ હોંશલો વધારનારી બની જાય છે. જ્યારે હું મારા અને આસપાસના ગામમાં મતદાન કરવાની અપીલ કરવા જાઉં છું ત્યારે લોકો પણ મારી વાતનો સ્વીકાર કરતા હોય છે. આ કાર્યમાં અનેક વખત અન્ય લોકો પણ પોતાની સ્વેચ્છાએ મારી સાથે જોડાઈ જતા હોય છે. જાગૃતિ ફેલાવવાનો મારો એટલો જ આશય છે કે યોગ્ય ઉમેદવાર લોકશાહીમાં ભાગીદાર બને અને લોકોના કાર્યો સારી રીતે થાય.
યોગ્ય સહયોગ કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવવાની ઇચ્છા
પાંચ ભાઈ બહેનમાં વચેટ રહેલા નંદલાલ જન્મના એક વર્ષ બાદ હાડકામાં કેલ્શિયમની કમિના રોગથી ગ્રસિત થયા બાદ શારીરિક વિકાસ પામી શક્યા નથી. પરંતુ તેમની માનસિક સૂઝબૂઝ અને કાર્યને પાર પડવાની ક્ષમતા સ્વસ્થ વ્યક્તિને સરમાવે તેવી છે. તેમની ઈચ્છા છે કે વહીવટી તંત્ર દ્વારા જો આર્થિક સહયોગ અથવા યોગ્ય વ્યયવસ્થા કરવામાં આવે તો સમગ્ર કચ્છમાં હું મતદાન માટે લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવવા માંગુ છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.