આર્થિક બોજો:જી.કે.માં બાળકજન્મની ખુશી સાથે આર્થિક બોજો વેઠવો પડશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ચાલતો જનની સુરક્ષા સેતુ કાર્યક્રમ બંધ થઈ જતા ડિલિવરી માટે ચાર્જ વસુલવાનું શરૂ કરાયું

અહીંની જી.કે.જનરલ હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી સગર્ભા મહિલાઓ પ્રસુતિ માટે આવતી હોય છે પણ અચાનક અહીં સરકારની જનની સુરક્ષા સેતુ યોજના બંધ થઈ જતા ડિલિવરી માટે આવતી મહિલાઓને રૂ.2500 થી 34 હજાર ચૂકવવા પડતા હોવાની વાત સામે આવતા ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રફીક મારાએ જણાવ્યું કે,હોસ્પિટલમાં જનની સેતુ સુરક્ષા કાર્યક્રમ બંધ કરી દેવાયો છે જેથી છેલ્લા દસ દિવસથી ગર્ભવતી મહિલાઓ પાસેથી ચાર્જ લેવામાં આવે છે.

જેમાં નોર્મલ ડિલિવરી માટે રૂ.2500 થી 5 હજાર અને સીઝીરિયન ડીલીવરીમાં 10 હજારથી લઈ રૂ.34 હજાર સુધીના બિલ બનાવવામાં આવ્યા હોવાના કિસ્સા છે.અહીં દરરોજ 200 થી 250 મહિલાઓ પ્રસૂતા માટે આવતી હોય છે.જેઓને બાળકજન્મની ખુશી સાથે આર્થિક બોજો પણ વેઠવો પડી રહ્યો છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તે બાબતે પણ ખેદ વ્યક્ત કર્યો હતો.સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે અદાણી સંચાલિત હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મદદરૂપ થવા તાકીદે યોજના શરૂ કરવામાં આવે તેવી માંગણી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી.

ખીલખીલાટ છે છતાં ખાનગી વાહનમાં જવું પડે તેવી નોબત
ગર્ભવતી મહિલાઓને લેવા-મુકવા ખીલખીલાટની 4 એમ્બ્યુલન્સ જી. કે. જનરલ હોસ્પિટલમાં ફાળવવામાં આવી છે પણ 2 થી 3 એમ્બયુલન્સ ખરાબ હોય છે તો ક્યારેક ચાલક નથી હોતા જેથી ઘરે જવા માટે ખાનગી વાહનમાં જવાની નોબત આવે છે.દર્દીઓને પૂરતી સુવિધાઓ પણ ન મળતી હોવાનો આક્ષેપ રફીક મારાએ કર્યો હતો.

બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓને ચાર્જ નથી ચૂકવવો પડતો : HOD ગાયનેક​​​​​​​​​​​​​​
હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડો.અશરફ મેમણે જણાવ્યું કે,2 દિવસથી ચાર્જ લેવામાં આવે છે જે બીપીએલ દર્દીઓને ચૂકવવો પડતો નથી.

પ્રયાસો ચાલુ છે,ચાર્જ MOU પ્રમાણે જ છે
આ કેન્દ્ર સરકારની યોજના હતી.જે સરકારે બંધ કરી છે તેને આપણી હોસ્પિટલમાં ફરી શરૂ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ બાબતે સ્થાનિક તંત્રમાં રજૂઆત કરાઈ છે.ડિલિવરીનો ચાર્જ MOU પ્રમાણે જ લેવામાં આવે છે. - ડો.નરેન્દ્ર હીરાણી,સુપ્રી.જી.કે.જનરલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...