માંડવીના મનોરમ્ય બીચની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ ઊભી કરવા માટે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠે 3 દિવસનો બીચ ફેસ્ટિવલ યોજાશે તેની સાથે ટેન્ટ સીટી બનાવીને પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે સમુદ્ર તટને ધમધમતુ કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રણ ઉત્સવની સાથે માંડવી બીચ ખાતે ટેન્ટસીટી ઉભી કરી એડવેન્ચર પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓ અહીં આવે અને સ્થાનિક રોજગારીના દ્વાર ખુલે તેવી જાહેરાત 13 ફેબ્રુઆરી 2020ના કરાઈ હતી.જે જાહેરાતના ત્રણ વર્ષ બાદ અંતે માંડવીબીચ પર ટેન્ટસીટી બનાવવાની જાહેરાત અંગે પ્રવાસન નિગમના એમડી આલોક પાંડેએ માહિતી આપી હતી.
ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ અને ટેન્ટસીટી બંને અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં કચ્છની વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો સાથે મ્યુઝિકલ પ્રોગ્રામ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, માંડવીમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની દોર તો કાયમ માટે કપાઈ ગઈ છે. 2016માં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અને 2019 માં બીચ ફેસ્ટિવલ યોજાયા બાદ અહીં કોઈ આયોજન થયા નથી. જેની પાછળ રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ કારણભૂત હતો ત્યારે આખરે પ્રવાસન વિભાગ જાગ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.