રાપર તાલુકાના ગાગોદરમાં વિકાસ કામો ન કરી દાતાના સહયોગથી થયેલા કામો સરકારી ગ્રાન્ટમાંથી થયા હોવાનું બતાવી, ગાૈચર જમીન ગામતળમાં બતાવી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે ડીડીઓને રજૂઆત કરી તપાસની માંગ કરાઇ છે.
ગાગોદરના જેમલ કમાભાઇ ગોહિલે ગાગોદર ગ્રામપંચાયતમાંથી તા.15-1-16થી તા.14-1-22 સુધીમાં ગામમાં થયેલા વિકાસ કામોની માહિતી માંગવામાં આવી હતી. જે માહિતી મુજબ પાંચ વર્ષમાં ગામથી 1 કિ.મી. દુર આવેલી ગાૈચર જમીન ગામતળમાં બતાવી તેને નવાપરા વિસ્તાર નામ આપી ત્યાં માનવ વસાહત ન હોવા છતાં આ વિસ્તારમાં કામો થયા હોવાનું બતાવી લાખો રૂપિયાના બિલ મંજુર કરાયા છે અને તેમ કરી નાણાનો દુરઉપયોગ કરાયો છે.
વધુમાં ગામમાં દાતાઓના આર્થિક સહયોગથી પેવરબ્લોકનું કામ થયું છે. જો કે તે કામો પંચાયતમાં મંજૂર કરીને તે સરકારી નાણામાંથી થયા હોવાનુું બતાવાયું છે. ગામની સ્થાપના થઇ ત્યારથી આજદિન સુધી ગામમાં ગટરલાઇન નથી તેમ છતાં ગટરલાઇનના કામમાં 10 લાખ બતાવાયા છે. આમ, પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી સરકારી નાણાનો દુરઉપયોગ કરાયા હોવાના આક્ષેપ સાથે જેમલ ગોહિલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.