તપાસ:શેખપીરથી પસાર થતી ઓવરલોડ ગાડીઓ દીઠ ઉઘરાણાનો આક્ષેપ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ઇન્સ્પેક્ટર ગાડીમાં બેસે,તેના ઈશારે ડ્રાઇવર રકમ મેળવે
  • ક્રોસ ટીમ મોકલી તપાસ કરાઈ, ખાસ કંઇ ન જણાયું : આરટીઓ

શેખપીર ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઓવરલોડ ગાડીઓ દીઠ ‘વ્યવહાર’ની રકમ લેવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.છેલ્લા દસેક દિવસથી કચેરીના એક ઇન્સ્પેક્ટર દ્વારા વાહનોના સંચાલક પાસેથી આ રકમ લેવામાં આવતી હોવાની વાત સામે આવી છે.જે વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,દિવસના ભાગે ચેકિંગ કરવામાં આવે છે અને રાતના સમયે અહીંથી મીઠા સહિતની ઓવરલોડ ગાડીઓ પસાર થાય ત્યારે કાર્યવાહી ન કરવા પેટે વ્યવહારની રકમ લેવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.ઇન્સ્પેક્ટરના ઈશારે તેના ડ્રાઇવર મારફતે આ રકમ મેળવાય છે.

પ્રત્યેક ગાડીદીઠ રૂ.1500 લેવાતા હોવાની વાત ચર્ચાના એરણે છે.નિયમ પ્રમાણે દર અઠવાડિયે ઇન્સ્પેક્ટરની ડ્યુટી બદલાઈ જાય છે પણ આ ઇન્સ્પેક્ટર દ્વારા ‘સેટિંગ’ કરીને રાતના સમયે વ્યવહારની રકમ લઈ સંબંધીતોને સાચવી લેવાતા હોવાનું ચર્ચાય છે.ગંભીર આક્ષેપો બાબતે ભુજ આરટીઓના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી સી.ડી.પટેલને વાકેફ કરતા તેઓએ જણાવ્યું કે,સપ્તાહ અગાઉ તેમની પાસે પણ આવી વાત આવી હતી.

જેથી શેખપીર ખાતે ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.વિતેલા સપ્તાહમાં 250 જેટલા ઓવરલોડ વાહનો રોકાવી મેમો આપવામાં આવ્યો છે તેમજ શનિ-રવિવારે ક્રોસ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી.જોકે,હજી સુધી કોઇ તથ્ય સામે આવ્યા નથી પણ આક્ષેપોના મૂળ સુધી પહોંચવાની કાર્યવાહી જારી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ પણ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...