સુવિધા:વિમાની સેવા ઓછી અને એમ્બ્યુલિફ્ટ માટે રૂા. 100 નો ટોકન ચાર્જ લેવાશે !

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ, વૃદ્ધો, દર્દીઓ સીધા વિમાનમાં પ્રવેશ મેળવી શકે તે માટેની સુવિધા

કંડલાની તુલનાએ જિલ્લા મથક ભુજ એરપોર્ટ પર હવાઈ કનેક્ટિવિટી સપ્તાહમાં 4 દિવસ મળે છે.અવારનવાર ફલાઇટ સેવા વધારવાની વાતો વચ્ચે ભુજને નવી સેવા મળતી નથી જે હકીકત છે તેવામાં ભુજ એરપોર્ટને રૂ.76 લાખની કિંમતની એમ્બ્યુલિફ્ટ આપવામાં આવી છે જે સેવા શરૂ થઈ ગઈ છે અને જે કોઈ દિવ્યાંગ,સિનિયર સીટીઝન તેમજ દર્દીઓને સીધા વિમાનમાં પ્રવેશ મેળવવા માટે એમ્બ્યુલિફ્ટની સુવિધા જોઈતી હોય તો રૂ.100 નો ટોકન દર ચૂકવવો પડશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

જે એરપોર્ટ પર એરોબ્રિજની સુવિધા ન હોય ત્યાં દિવ્યાંગ પ્રવાસીઓ માટે પ્લેનમાં ચડ-ઉતર કરવું મુશ્કેલ બની જાય છે,જેના માટે એરપોર્ટ ઑથોરીટી ઑફ ઈન્ડિયા દ્વારા એમ્બ્યુલિફ્ટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.હાલ દહેરાદૂન, રાજકોટ, ગોરખપુર, દરભંગા, હુબલી, વિજયવાડા, જોધપુર, ઈમ્ફાલ સહિત દેશના 14 એરપોર્ટ પર આ સેવા ઉપલબ્ધ છે ત્યારે હવે ભુજ એરપોર્ટ પર એમ્બુલિફ્ટની સુવિધા શરૂ કરાઈ છે.એરપોર્ટ પર જે કોઈ દિવ્યાંગ લોકો આવે છે કે દર્દીઓ, સિનિયર સિટીઝન આવે છે તેમને આ એમ્બુલિફ્ટની સુવિધાની મદદથી ફલાઇટની અંદર ડાયરેક્ટ લઈ જઈ શકાશે.

ઉપરાંત ફલાઇટમાં આવતા દર્દીઓને પણ ફલાઇટથી હોસ્પિટલ લઈ જઈ શકાશે. ઉલ્લેખનીય છે કે,મેક ઈન ઈન્ડિયા અંતર્ગત એમ્બુલિફ્ટ સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરાઈ છે.એમ્બુલિફ્ટની કિંમત 76 લાખ થાય છે. તેમાં એટેન્ડેન્ટ્સ સાથે એકસાથે 6 વ્હિલચેર અને 2 સ્ટ્રેચર સમાવી શકાય છે. એમ્બુલિફ્ટ હિટીંગ વેન્ટીલેશન અને એર કન્ડીશનરથી સજ્જ છે.100 રૂપિયાના ટોકન ચાર્જ પર લાભાર્થીઓ એમ્બુલિફ્ટની સેવાનો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...