કલેક્ટર કચેરી સામે ઉપવાસ:ભુજ તાલુકાના અનુસૂચિતજાતિના લોકોને જમીનનો કબ્જો ન મળે ત્યાં સુધી આંદોલન

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા કરાઇ માંગ
  • 730 અેકરમાંથી મોટાભાગની જમીન પર દબાણ

ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સા.સ.મંડળીને વર્ષ 1983માં 730 અેકર ગુંઠા જમીન તાલુકાના વિવિધ ગામોમાં ફાળવવામાં અાવી હતી પરંતુ અનેક જગ્યાઅે જે-તે લાભાર્થીઅોને ફાળવવામાં અાવેલી જમીનોના કબ્જો પ્રત્યક્ષ રીતે માથાભારે શખ્સોનો છે, જેથી અાવા શખ્સો પાસેથી કબ્જો મેળવી તેમની સામે લેન્ડગ્રેબિંગના કાયદા તળે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ઉપવાસ અાંદોલનના મંડાણ કરાયા છે.

ભુજ તાલુકા અનુ.જાતિ સા.સ.મંડળીના પ્રમુખ વિજય કાગી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ નરેશ મહેશ્વરી, જિલ્લા પ્રમુખ હિતેષ મહેશ્વરીની અાગેવાનીમાં ઉપવાસ અાંદોલન શરૂ કરાયા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેશ્વરીઅે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાઅે અનુ.જાતિની મંડળીઅોને જમીનનો કબ્જો મળ્યો નથી. જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઇ કાર્યવાહી નહીં કરાય તો સભ્યો દ્વારા વ્યક્તિગત ધોરણે દબાણકારો સામે લેન્ડગ્રેબિંગ, અેટ્રોસિટી અેક્ટ તળે કાર્યવાહી કરશે.

જયાં સુધી દબાણકારો સામે લેન્ડગ્રેબિંગ તળે કાર્યવાહી નહીં થાય અને જમીનનો કબ્જો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ અાંદોલન ચાલુ રહેશે. છાવણીની મુલાકાતે અાવેલા રાષ્ટ્રીય અનુ.જાતિ અાયોગના માજી સબ કમિટી મેમ્બર ધર્મેન્દ્ર ગોહિલે લડતને ટેકો જાહેર કરી અાઝાદીના 75 વર્ષ બાદ પણ અનુ.જાતિના લોકોને પોતાની જમીન માટે સંઘર્ષ કરવો પડે તે લોકશાહી માટે શરમજનક હોવાનું જણાવ્યું હતું.

અગાઉ અનેક વખત લેખિત રજૂઅાતો કરાઇ છે છતાં કોઇ નિવેડો ન અાવતાં બુધવારે ફરી કલેક્ટર, પોલીસ અધિક્ષક, મામલતદારને અાવેદન અાપી ઉપવાસ અાંદોલનની શરૂઅાત કરાઇ હતી. સુરેશ શામળિયા, ભીખાભાઇ, લખણાભાઇ ધનાભાઇ ગેડિયા, મેરામણ મેરિયા, રાણાભાઇ, માવજીભાઇ, શિવજી ધેડા, ઇકબાલ જત, અનિલ રાણા શેખવા, નારાણ જીવા શેખવા વગેરે ઉપવાસ અાંદોલનમાં જોડાયા હતા.

મમુઅારાના અા શખ્સો સામે લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ મહેશ્વરીઅે દબાણકારોના નામજોગ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, મમુઅારાના કાનજી રાણા ત્રિકમ જાટિયા, કચ્છ ભાજપના પૂર્વ મંત્રી સતીષ વાલા છાંગા, હરી વાલજી છાંગા, હરીલાલ જખુ જાટિયા, કરમણ ગોપાલ હમીર જાટિયા, રણછોડ ગોપાલ હમીર જાટિયા, માવજી ગોપાલ હમીર જાટિયા, રમેશ ગોપાલ હમીર જાટિયા સામે લેન્ડગ્રેબિંગની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...