એક તરફ ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠા કાંડે ચકચાર મચાવી છે , તો પૂર્વ કચ્છ એલસીબીએ છેલ્લા ત્રણ માસથી દેશી દારુની બદી ઉપર તવાઇ બોલાવવાનું જારી રાખ્યું છે, જેમાં આજે ગાંધીધામ, અંજાર અને રાપરમાં કોમ્બીંગ કરી દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કરી રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે મહિલા બુટલેગર સહિત 6 વિરુધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરાઇ હતી.
એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ જણાવ્યું હતું કે, દેશી દારુની વધી ગયેલી બદીને ડામવા છેલ્લા ત્રણ મહિનાથી દરોડાઓ પાડી કડક કાર્યવાહી કરાઇ રહી છે. આજે અંજારના વીડીના સીમ વિસ્તારમા઼ ધમધમી રહેલી ભઠ્ઠી પર તવાઇ બોલાવી મુકેશ ધનજી કોલી અને સલીમ જુમાભાઇ શેખ વિરુધ્ધ કાર્યવાહી કરાઇ હતી, તો ગાંધીધામના સેક્ટર-1/એ મા઼ ભઠ્ઠીનો નાશ કરી સોનીબેન મગન દેવીપૂજક અને ગીતાબેન પરબત દેવીપૂજક સામે તેમજ રાપરના ડાભુંડા ખાતે કોમ્બિંગ કરી પ્રવિણસિંહ હીરજી પીર (તુવર) અને નીરૂભા ચમનસિંહ પીર (તુવર) વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂ.3,820 નો તૈયાર દેશી દારૂ, રૂ.7,600 નો 3,800 લીટર દારૂ બનાવવાનો આથો અને રૂ.700 ના સાધનો મળી કુલર રૂ.12,120 નો મુદ્દામાલ જપ્ત કરી જે-તે પોલીસ મથકોને તપાસ સોંપાઇ હતી.
પીઆઇ રાણાએ જણાવ્યું હતું કે દેશી અને વિદેશી દારુના ધ઼ધાર્થીઓ ઉપર આ જ રીતે આગામી દિવસોમાં કામગીરી ચાલુ જ રહેશે, આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ ડી.આર.ગઢવી અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.
પ. કચ્છમાં દેશી દારૂની બદી ડામવા થાણા ઇન્ચાર્જોને સૂચના અપાઇ : અેસપી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ તેમજ ધંધુકામાં કેમિકલ યુક્ત ઝેરી દારૂ પીવાથી 55 લોકોના મોત થતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. લઠ્ઠાકાંડની આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દેશી દારૂની બદીને ડામવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા દરેક જિલ્લાના પોલીસવડાને દેશી દારૂના દુષણને ડામવા માટે સખત કાર્યવાહી કરવા જણાવાયું છે, ત્યારે કચ્છમાં પણ પોલીસ દ્વારા દેશી દારૂના ધમધમતા હાટડા ઉપર ધોંસ બોલાવતી કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.
દેશી દારૂની બદી ડામવા માટે પગલાં લેવાનું શરૂ
જ્યાંથી ફરિયાદો અને અરજીઓ આવી હતી તે વિસ્તારમાં તપાસ કરીને દેશી દારૂની બદી ડામવા માટે પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસીંઘે જણાવ્યું કે, તમામ થાણા ઇન્ચાર્જોને સૂચના આપી દેશી દારૂના વેંચાણ અને બનાવટની પ્રવૃત્તિ થતી હોય ત્યાં દરોડા પાડી સખ્ત કાર્યવાહી કરવા અને આ દૂષણ અટકાવવા માટે જરૂરી અટકાયતી પગલાંઓ ભરવા નિર્દેશ અપાયા છે. બદીને ડામવા માટે પોલીસ તંત્ર સતર્ક હોવાનું કહ્યું હતું.
ભાડિયામાં દારૂ સાથે શખ્સ ઝડપાયો
ભાડિયામાં વાડીએ રહેતો યુવક અંગ્રેજી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દરોડો પાડીને સફેદ કોથળામાંથી 12 બોટલ અંગ્રેજી શરાબ કિંમત રૂ.4200નો મુદામાલ પકડી પરેશ અભા ગઢવી (રહે. મોટા ભાડીયા)ની અટકાયત કરી માંડવી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મોખા પાસે દેશી દારૂ સાથે બે જબ્બે
મોખા ટોલ પ્લાઝા તરફ થી આવતી જીજે-12 બીએફ 9642 નંબરની લાલ કલરની અલ્ટોને અટકાવી પોલીસે ઝડતી લેતાં તેમાંથી ચાર કોથળામાં ભરેલ 2400 રૂ ના 120 લીટર દેશી દારૂ સાથે નાગશી ઉર્ફે નાગદાન આશારીયા ચોસણા અને રામ ઉર્ફે મેજર ડોસા ગીલવા નામના બે બુટલેગર ઝડપાઇ ગયા હતા. કાર સાથે રૂ.32,400 નો મુદામાલ કબ્જે કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.