દબાણકારો બેફામ:સુમરાસર શેખના ઉતરાદે ઉગમણી બન્નીમાં દબાણકારો ફરી બન્યા બેફામ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના સુમરાસર શેખની ઉત્તર દિશામાં ઉગમણી બન્નીમાં ઘાસિયા ભૂમિ પર દબાણકારો ફરી બેફામ બન્યા છે અને વન તંત્રના અધિકારીઅો જયારે અાવ્યા ત્યારે ટ્રેક્ટર મારફતે વાવણી ચાલુ હોવા છતાં દબાણકારો સામે કોઇ જ કાર્યવાહી ન કરાયાના અાક્ષેપો ગ્રામજનો દ્વારા ઉઠી રહ્યા છે. ચરીયાણ જમીન પર ફરી દબાણો ન થાય એ માટે સુમરાસર શેખના પશુપાલકોએ તા.8-7-22ના કલેકટર, વન વિભાગ બન્ની રેન્જને લેખિત-માૈખિક રજૂઅાતો કરી હતી.

જો કે, તંત્ર દ્વારા દબાણકારો સામે કોઇ જ કાર્યવાહી ન કરાતાં ફરી ચરીયાણ જમીન પરનું અમૂલ્ય ઘાસ ટ્રેકટરથી ખેડીને અન્ય પાકોનું વાવેતર શરૂ કરી દેવાયું છે. પશુપાલકોએ 25-7-22ના ફરી કલેક્ટર, વન વિભાગને રજૂઆત કરી તાત્કાલિક થયેલા દબાણો દુર કરવા માંગ કરી હતી.

ચરીયાણ જમીન પર ટ્રેક્ટર મારફતે દબાણકારો દ્વારા વાવણી કરાતી હોય છે ત્યારે વન વિભાગના અધિકારીઓ અાવે છે અને તેમને મળીને કોઇપણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના પરત ચાલ્યા જાય છે તેવો ગંભીર અાક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. તા.28-7-22 ના પણ જયારે ઘાસિયા ભૂમિમાં ટ્રેક્ટર મારફતે વાવણી ચાલુ હતી ત્યારે જ વન વિભાગના અધિકારીઅો અાવ્યા હતા અને રાબેતા મુજબ કોઇપણ કાર્યવાહી કર્યા વિના પરત ચાલ્યા ગયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જો તંત્રનું અા પ્રકારનું ઢીલું વલણ રહ્યું તો બન્નીમાં દબાણ દુર કરવાના અેનજીટીના અાદેશનો છેદ જ ઉડી જશે.

અન્ય સમાચારો પણ છે...