વિકાસજીવી કચ્છ:ભૂકંપના વિનાશ પછી તેજીની સુનામી આવી

ભુજ16 દિવસ પહેલાલેખક: હર્ષિલ પરમાર
  • કૉપી લિંક
  • આર્થિક સમૃદ્ધિ - અેક સમયે મોરારજી દેસાઇએ કટાક્ષમાં કહ્યું હતું કે, ‘કચ્છ જે મનીઓર્ડરના અર્થતંત્ર પર નભે છે, અેનો ભાર ગુજરાત કેવી રીતે ઉપાડી શકશે ?’ : અે કચ્છ અાજે દેશ અને રાજ્ય માટે મની મેકર જિલ્લો બન્યો છે !
  • વિશિષ્ઠ- આફત બાદ ફિનિક્સ પક્ષીની જેમ હિંમતભેર બેઠું થવાની કચ્છ પાસે અાવડત
  • વિશેષ- એક્સપોર્ટ, ટેકસ કલેકશન, વીજળી, ઔદ્યોગિક ઉત્પાદનમાં અગ્રેસર
  • વિધાન-વડાપ્રધાને પણ કહ્યું છે કે કચ્છ દેશનો સાૈથી ઝડપથી વિકાસ પામતો જિલ્લો

કોંગ્રેસના દિગ્ગજ નેતા જે અાગળ જઇને દેશના વડાપ્રધાન બન્યા તે મોરારજી દેસાઇઅે મહાગુજરાત અાંદોલન વખતે કચ્છ વિશે કહ્યું હતું કે, ‘કચ્છ જે મનીઅોર્ડરના અર્થતંત્ર પર નભે છે, અેનો ભાર ગુજરાત કેવી રીતે ઉપાડી શકશે ?’ રાજ્યના પૂર્વ નાણામંત્રી સનત મહેતાઅે 2014માં પોતાના અેક લેખમાં અાવો દાવો કર્યો હતો ! પરંતુ હાલના કચ્છને જોઇઅે તો સ્વ. મોરારજી દેસાઇના વિધાનનો છેદ આપમેળે ઉડી જાય છે. કારણ કે કચ્છ અાજે મનીઅોર્ડર નહીં પણ રાજ્ય અને દેશ માટે મની મેકર જિલ્લો બની ગયો છે.

કચ્છે વારંવારની કુદરતી અાફતો અને વિષમ ભાૈગોલિક પરિસ્થિતિમાં પણ વિકાસની હરણફાળ ભરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અા પ્રિય જિલ્લો છે. તેઅો કચ્છને દેશનો સાૈથી ઝડપથી વિકાસ પામતો જિલ્લો કહી ચૂક્યા છે. કચ્છે અાજે વીજળી, અાયાત-નિકાસ, અાૈદ્યોગિકીકરણ જેવા ક્ષેત્રોમાં તો નોંધપાત્ર પ્રગતિ કરી જ છે. બલકી રણ અને સુકા પ્રદેશ લેખાતા આ મુલકે ખેતી અને બાગાયતમાં રાજ્યના અગ્રીમ જિલ્લામાં પોતાનુ સ્થાન મજબુત કરી લીધું છે.

અત્ર, તત્ર, સર્વત્ર વિકાસ - આર્થિક ઉત્પાદન હોય કે ખેતી તમામ ક્ષેત્રોમાં કચ્છનો ડંકો
બોક્સાઇટનો દુનિયાનો 15 ટકા માર્કેટ કચ્છ પાસે : રિફેક્ટરી મટિરીયલ્સમાં ટોપ પર
કચ્છની ઔદ્યોગિક ક્ષમતા ભારતમાં જ નહીં પણ વિશ્વ કક્ષાએ નોંધપાત્ર છે. જેમાં દુનિયાનો બોક્સાઇટનો 15 ટકા માર્કેટ કચ્છ પાસે છે, બ્લીચિંગક્લેનો સૌથી મોટો કોમ્પ્લેક્સ કચ્છ પાસે છે. તો રીફેક્ટરી મટિરીયલ્સના નિર્માણમાં આપણો જિલ્લો ટોચ પર છે. ક્લસ્ટર પાઇપલાઇનના નિર્માણની સુવિધા દુનિયામાં સૌથી વધુ અહીં છે. દેશનું 85 ટકા ગ્રોમાઇન અહીં ઉત્પન્ન થાય છે. દેશમાં એડિબલ ઓઇલની 50 ટકા જરૂરિયાત કચ્છ સંતોષે છે. સિમેન્ટ ઉદ્યોગમાં પણ કચ્છ અગ્રીમ જિલ્લાઓમાં છે. દુનિયાનું બીજા નંબરનું ટેક્સટાઇલ ક્લસ્ટર અહીં આવેલું છે.

બાગાયતમાં રાજ્યમાં અગ્રીમ જિલ્લો : ફળોમાં પ્રથમ સ્થાને: મીઠાશ વિદેશ સુધી પહોંચી
રાજ્યની બાગાયત નિયામકની કચેરીઅે જારી કરેલા વર્ષ 2020-21ના અાંકડા પ્રમાણે કચ્છ બાગાયતના વાવેતરમાં બીજા અને ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે. 2020-21માં કચ્છમાં 1.60 લાખ હેક્ટરમાં વાવેતર અને 14.19 લાખ મેટ્રિક ટન પાકનું ઉત્પાદન થયું હતું. જેમાં ફળોના વાવેતર 56581 હકેટર તથા ઉત્પાદન 985364 મેટ્રિક ટન સાથે કચ્છ પ્રથમ હતું. મસાલાના અને જીરાના વાવેતર અને ઉત્પાદનમાં કચ્છ ટોપ પાંચમાં અાવે છે. ફળોના રાજા અાંબાના 10.60 હજાર હેક્ટરમાં વાવેતર જ્યારે ઉત્પાદનમાં 1.17 લાખ મેટ્રીક ટન સાથે કચ્છ ત્રીજા સ્થાને છે. દાડમ, ખારેક, પપૈયા અને ઇસબગુલના વાવેતર અને ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ કચ્છ છે.

સુકા મુલકમાં ખમતીધર ખેતી : ખરીફમાં ટોપ-5માં સ્થાન: વિદેશી તકનીક અપનાવી
કચ્છ ઇઝરાઇલની જેમ ખેતીમાં પણ અાગળ છે. અહીંનો ખેડૂત વિષમ પરિસ્થિતિમાં પણ પાક લેવાની અાવડત ધરાવે છે. સિંચાઇની સુવિધા વધારે ન હોવાથી રવિ અને ઉનાળુ પાકનું વાવેતર કચ્છમાં અોછુ થાય છે. પરંતુ ખરીફના વાવેતરમાં રાજ્યમાં ટોચના પાંચ જિલ્લામાં કચ્છ હોય છે. વર્ષ 2021માં કચ્છમાં 5.43 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલી બાદ ચોથા ક્રમે કચ્છ હતું. ગત વર્ષે મગ, તલ, મઠ, દિવેલા અને ગુવારનું વાવેતર રાજ્યમાં સાૈથી વધારે કચ્છમાં થયુું હતું.

ચાલુ વર્ષે કચ્છમાંથી થઇ 12.63 લાખ કરોડની નિકાસ
નિકાસની દ્રષ્ટીએ કચ્છ દેશના ટોચના 15 જિલ્લાઓમાં આવે છે. રાજ્યમાં જામનગર, સુરત, દ્રારકા બાદ કચ્છનો ક્રમ છે. વર્ષ 2022-23ની વાત કરવામાં આવે તો જૂલાઇ સુધી કચ્છમાંથી અધધ 12.63 લાખ કરોડની નિકાસ કરવામાં આવી છે.

દેશમાં ઘઉં અને ચોખાની નિકાસ કચ્છમાંથી સાૈથી વધારે
દેશમાં દર વર્ષે ચોખાની નિકાસ તો કચ્છમાંથી જ વધારે થાય છે. પરંતુ ચાલુ વર્ષે ભારતે દુનિયાના અનેક દેશોમાં ઘઉંની પણ નિકાસ કરી છે. 2022-23માં અત્યાર સુધી કચ્છમાંથી 32 હજાર કરોડના ઘઉં અને 63 હજાર કરોડના ચોખાની નિકાસ કરી છે.

બેંકોમાં થાપણોની દ્રષ્ટીએ કચ્છ રાજ્યમાં પાંચમા ક્રમે
રાજ્ય સરકારે ચાલુ વર્ષે વિધાનસભામાં રજૂ કરેલા સામાજિક આર્થિક સમીક્ષા રીપોર્ટમાં કચ્છની બેંકોમાં અધધ 43.66 હજાર કરોડની અનામતો બતાવી હતી. જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બાદ સાૈથી વધારે છે.

ભારતીય રેલવેનો કમાઉ દીકરો કચ્છ : 4800 કરોડની આવક
કચ્છ ભારતીય રેલવેનો કમાઉ દીકરો છે. વર્ષ 2021-22માં કચ્છમાંથી રેલવેઅે 4800 કરોડની કમાણી કરી હતી. જેમાંથી 4400 કરોડ માલપરિવહનમાંથી અને 400 કરોડ પ્રવાસી અાવક હતી. અાવકનો અા રેકોર્ડ ચાલુ વર્ષે પણ તૂટે અેવી શક્યતા છે.

રાજ્યની 35થી 50 ટકા વીજળી કચ્છ ઉત્પન્ન કરે છે !
કચ્છમાં કોલસા અધારીત બે સરકારી અને બે ખાનગી પાવર પ્લાન્ટ અાવેલા છે. વર્ષ 2021-22માં કચ્છના વીજ મથકોમાં રાજ્યની 35 ટકા અેટલે કે 22131 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થઇ હતી. જ્યારે 2020-21માં રાજ્યની 50 ટકા વીજળી ઉત્પન થઇ હતી. પવન અને સાૈર ઊર્જામાં પણ કચ્છ રાજયનો અગ્રીમ જિલ્લો છે. દુનિયાનો સાૈથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક કચ્છમાં બની રહ્યું છે.

કંડલા અને મુન્દ્રા કસ્ટમે જ 40 હજાર કરોડનો ટેક્ષ વસુલી તીજોરી છલકાવી
કચ્છમાં દેશના સૌથી બે મોટા પોર્ટ આવેલા છે. કેન્દ્ર સરકારની અહીં કંડલા અને મુન્દ્રા કસ્ટમની પ્રિન્સિપાલ કમિશનરની કચેરી આવેલી છે. વર્ષ 2021-22માં કંડલા કસ્ટમે રૂા. 25100 કરોડ અને મુન્દ્રા કસ્ટમે રૂા. 23300 કરોડની કસ્ટમ ટેક્ષ પેટે વસુલાત કરી હતી. તો સેન્ટ્રલ જીએસટીએ પણ કચ્છમાંથી 2295 કરોડની વેરા વસુલાત કરી હતી.

દેશનું 30 ટકાથી વધારે કાર્ગો હેન્ડલિંગ
​​​​​​​કચ્છમાં સરકારી મહાબંદરગાહ કંડલા અને ખાનગી ક્ષેત્રનું મુન્દ્રા બંદર છે. આ સિવાય તુણા, જખૌ અને માંડવી જેવા બંદરો પણ છે. દેશા કાર્ગો હેન્ડલિંગ (આયાત-નિકાસની તમામ સામગ્રી)માં કચ્છના બંદરોનો હિસ્સો 30 ટકાથી વધારે છે. વર્ષ 2021-22માં કંડલા પોર્ટે 127 મિલિયન મેટ્રિક ટન જ્યારે મુન્દ્રા પોર્ટે 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. આ બન્ને પોર્ટના આંકડા દેશમાં સૌથી વધારે હતાં.

RTO પેટે જૂલાઇ સુધીમાં 1.74 અજબની આવક !
કચ્છની વસતી ભલે અોછી હોય પણ અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો ખુબ વિકાસ થયો છે. જેના પગલે આરટીઓની આવક કચ્છમાંથી રાજ્ય સરકારને વિશેષ થતી હોય છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો જુલાઇ સુધીમાં જ કચ્છમાંથી સરકારને 1.74 અબજની આવક થઇ ગઇ છે. જે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ બાદ પાંચમાં ક્રમે છે.​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...