રૂબરૂ કાર્યક્રમ:શહેરમાં 22 સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બન્યા બાદ આડેધડ એક પણ લારી-ગલ્લો કે કેબિન ઊભી રાખવા નહીં દેવાય

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6, 7, 8 વોર્ડના રૂબરૂ કાર્યક્રમમાં દબાણોથી માર્ગોમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે નગરપતિની ખાતરી : મુન્દ્રા રોડ પર એક વેન્ડિંગ ઝોન કાર્યરત પણ થઇ ગયો​​​​​​​

દિવ્ય ભાસ્કરે 26 જૂને વોર્ડ નંબર 1, 2, 3, 4, 5ના નાગરિકો માટે રૂબરૂ કાર્યક્રમ યોજ્યા બાદ 10 જુલાઈ રવિવારે વોર્ડ નંબર 6, 7, 8ના નાગરિકોને તેમની સમસ્યા રજુ કરવા ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોથી રૂબરૂ કરાવ્યા હતા, જેમાં દબાણ અને માર્ગોમાં અાડેધડ લારી, ગલ્લા, કેબિનોથી ટ્રાફિક સમ્સયા પણ રજુ કરાઈ હતી. જેના જવાબમાં નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે કહ્યું હતું કે, શહેરમાં ભાનુશાલી નગર સામે અેક સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બની ગયો છે. હજુ 21 સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બનાવવાના બાકી છે. તમામે તમામ 22 સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બની થશે ત્યારબાદ માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ રૂપ અાડેધડ અેકેય કેબિન રાખવા નહીં દેવાય.

નગરપતિઅે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ રૂપ અાડેધડ કેબિનો ખડકાઈ રહી છે. પરંતુ, હટાવવા જઈઅે તો શહેરી ફેરીયા સંગઠન વાંધો લે છે. તાજેતરમાં સંયુકતા સોસાયટીના રહેવાસીઅોની ફરિયાદના પગલે બંધ કેબિન ઉઠાવાઈ તો શહેરી ફેરીયા સંગઠન અને કેબિન માલિક માલિકે દેખાવો કર્યા હતા. સેનિટેશન સમિતિના ચેરમેન સામે અેફ.અાઈ.અાર. પણ દાખલ કરાઈ કરી દેવાઈ હતી. જેના ઉકેલ રૂપે હવે અેક જ માર્ગ છે કે, શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બનાવવામાં અાવે.

અે સિવાયના વિસ્તારોમાં ક્યાંય કેબિન દેખાશે તો તરત ઉપાડી લેવાશે. જોકે, અામ છતાંય નામજોગ લેખિત ફરિયાદ મળે તો કેબિન ઉપાડી લેવાય છે. અત્યાર સુધી 17 જેટલી કેબિનો ઉપાડી લેવાઈ છે. અે સિવાય લોકોઅે અેકાંતરે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવા બદલે ભુજ નગરપાલિકાની કામગીરીને વખાણી હતી અને પદાધિકારીઅોને અભિનંદન પણ અાપ્યા હતા. પરંતુ, સામે સવાલ કર્યો હતો કે, ગટરની સમસ્યાનો ઉકેલ ક્યારે અાવશે. ખાસ કરીને સંસ્કારનગર સહિતના વિસ્તારોના જાગૃત નાગરિકોઅે ગટર સમસ્યા મુદ્દે પદાધિકારીઅોને બચાવની સ્થિતિમાં મૂકી દીધા હતા.

ચર્ચામાં ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવી, વોટર સપ્લાય ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજા, હિનાબા જિતેન્દ્રસિંહ ઝાલા, સંજય મેઘજી ઠક્કર, રશ્મીબેન ધર્મેન્દ્ર સોલંકી, સાવિત્રી જાટ, મહિદીપસિંહ જાડેજા વગેરે લોકોની તેમના સવાલોના જવાબો અાપ્યા હતા.

પા.પુ. બોર્ડને પાલિકાએ કામો સૂચવ્યા
મા અમૃતમ યોજના હેઠળ નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને કામો સૂચવીને ફેસ 1-2ની કામગીરીને તાત્કાલિક પૂરા કરવા અનુરોધ કર્યો છે. કેટલા વોર્ડમાં નાના પાઇપને કારણે પાણીના ફોર્સની સમસ્યા હોવાથી એમાં કામ બંધ કરાવ્યા છે, અને જરૂર પડી ત્યાં ડિઝાઇનમાં ફેરફાર કર્યો હોવાનું નગરપાલિકા પ્રમુખે કહ્યું હતું.

અન્ય સમસ્યાનો પણ ખડકલો
વોર્ડ નંબર 6, 7, અને 8માંથી 7માં વોર્ડના નાગરિકો સારા અેવા પ્રમાણમાં અાવ્યા હતા. જેમણે ડોર ટુ ડોર કલેકશન, ગેસ લાઈન ખોદાયા બાદ ખાડામાં વરસાદી પાણી ભરાવવાથી અકસ્માતો, દાદાદાદી પાર્કની ઉપેક્ષા, પાર્કિંગ પ્લોટ, પી.જી.વી.સી.અેલ. દ્વારા નગરપાલિકામાંથી અેન.અો.સી.નો દુરાગ્રહ સહિતના મુદ્દે અાડેહાથ લીધા હતા.

દાદા-દાદી પાર્કમાં સમસ્યાઓની ભરમાર
ભૂકંપ પછી ડેવલોપ થયેલા દાદા-દાદી પાર્કનું સંચાલન સાંઘી કંપનીને સોંપાયું હતું પણ કેટલા વર્ષથી કંપનીએ હાથ ઉઠાવી લેતાં સુધરાઇ જરૂરી સેવાઓ પૂરી પાડે છે. તેમણે ભાડાને આ પાર્ક સત્તાવાર રીતે પાલિકાની સોંપાઇ જાય એવી દરખાસ્ત કરી છે.

કચરા પેટી શાૈચાલયમાં ફેરવાઈ ગઈ
વાણિયાવાડ કુમાર પ્રાથમિક શાળા નંબર 2 સામે અેક સમયે સંસ્થા કોંગ્રેસ અને ત્યારબાદ કોંગ્રેસ ભવનથી અોળખાતી ખાનગી મિલકત હાલ બંધ હાલતમાં છે. જે સ્થળે કચરા પેટી મૂકાઈ છે. પરંતુ, લોકો અેનો જાહેર શાૈચાલય તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે, જેથી મહિલાઅો અેંઠવાડ ફેંકતી વખતે ક્ષોભની સ્થિતિમાં મૂકાઈ જાય છે. જે મુદ્દે નગરપતિઅે ઉકેલની હૈયાધારણના અાપી હતી.

રોમાનિયા ટેન્કમાં કચરો ફેંકાતા ગંદકી
હમીરસર તળાવના બીજા ભાગને છતરડીવાળું તળાવ કહેવાય છે. જેનું અોગન ગાયત્રી મંદિર રોડ પાસે છે. જે રોમાનિયા ટેન્ક તરીકે પણ અોળખાય છે, જેમાં અાસપાસ દબાણવાળા રહેણાક વિસ્તારના લોકો કચરો ફેંકી ગંદકી કરે છે અને વરસાદી પાણી પણ અવરોધાય છે.કોડકી રોડ પુલ ઊંચો બનતા પાણી ભરાવવાની સમસ્યા અોર વકરી છે. અેની ફરિયાદ પણ અાવી હતી.

ગટર સમસ્યા મુદ્દે દોઢ દાયકા માત્ર વાતો જ
સંસ્કારનગરના રહેવાસી કૃષ્ણકાંત ભાટિયાઅે જણાવ્યું હતું કે, સંસ્કારનગરની પાણી સમસ્યા ઉકેલાઈ ગઈ છે. પરંતુ, ગટરની સમસ્યા મુદ્દે છેલ્લા દોઢ દાયકાથી માત્ર વાતો થાય છે. કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જેના જવાબમાં નગરપતિઅે કહ્યું હતું કે, અે માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પાથરવા ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી. પરંતુ, અેકેય ટેન્ડર અાવ્યો નથી.

બિનખેતી બાદ પ્લોટોમાં બાંધકામ થતા કુદરતી વહેણ અવરોધાયા
ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાની રજુઅાત પણ અાવી હતી, જેમાં વરસાદ બાદ પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે નગરપતિને કલેકટર કચેરીમાંથી કોલ અાવ્યો હતો, જેમાં નગરપતિઅે કહ્યું હતું કે, બિનખેતી થયા બાદ પ્લોટોમાં ઈજનેરી કાૈશલ્ય વિના બાંધકામ થતા કુદરતી વહેણ અવરોધાયા છે, જેથી પણ ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વકરી છે. જે બાદ પ્રભુનગર સહિતના વિસ્તારોમાં બાંધકામને મંજુરી મળતી બંધ થઈ ગઈ છે. અેવા વિસ્તારોને તળાવ પણ જાહેર કરી દેવાયા છે.​​​​​​​

વોર્ડ નંબર 7માં વ્હોટ્સ અેપ ગ્રૂપ અાશીર્વાદરૂપ
વોર્ડ નંબર 7ના નગરસેવક મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, 2015ની ચૂંટણીમાં ચૂંટાઈને અાવ્યા બાદ વોર્ડ નંબર 7ના નાગરિકોનું વ્હોટસ અેપ ગ્રૂપ શરૂ કર્યો છે. જે નાગરિકો અને નગરસેવકો અેમ બંને માટે અાશીર્વાદ રૂપ સાબિત થયું છે. નાગરિકો પોતાની સમસ્યા કહી શકે છે અને નગરસેવકોઅે અેનાથી વાકેફ થઈને સમસ્યા ઉકેલી શકે છે.

સંસ્કારનગરની પાણીની સમસ્યા ઉકેલી છે અને ગટર સમસ્યા ઉકેલવા ગટરની અેક લાઈન ચાલુ હતી અને બીજી લાઈન પણ સક્રિય કરી છે, જેથી થોડા અંશે રાહત થઈ છે. હજુ અે દિશામાં પ્રયાસો ચાલુ છે. નગરપતિઅે કહ્યું હતું કે, દરેક સોસાયટી, કોલોની અને શેરી મહોલ્લાના લોકોઅે વ્હોટસ અેપ ગ્રૂપ બનાવવા જોઈઅે અને અેમાં નગરપાલિકાના નગરસેવકો અને પદાધિકારીઅોની સામેલ કરવા જોઈઅે. અે ઉપયોગી સાબિત થાય છે.

અાખલા ઉપરાંત હવે રખડતા ઘોડાઅોનો ત્રાસ
રખડતા ઢોરોનો મુદ્દો પણ ચર્ચાયો હતો. અેમાંય હવે રખડતા ઘોડાઅોનો ત્રાસ વધ્યો છે. જેને પકડવા માંગણી કરાઈ હતી, જેથી નગરપતિઅે કહ્યું હતું કે, ઘોડાઅોને પકડી શકે અેવા માણસો નથી. જંગલખાતા પાસે પાંજરાની પણ માંગણી કરી છે. કોઈને તબેલા દેખાય તો કહેજો અાપણે અે તબેલા જ બંધ કરાવી દેશું.

છઠ્ઠીબારી-અનમ રિંગ રોડ પર કેબિનોનો વધતો ખડકલો
છઠ્ઠીબારી અને અનમ રિંગ સહિતના રિંગ રોડ ઉપર ખાણીપીણીની કેબિનો અને હાથલારીનો ખડકલો વધતો જાય છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ટ્રાફિક સમસ્યા ઉકેલવા માર્ગ ઉપરની કેબિનો હટાવવાને બદલે ફૂટપાથ નીચો કરી દેવાયા બાદ દુકાનોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. અે મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી. ફૂટપાથ પુન: ઊંચા કરવા માંગણી પણ કરાઈ હતી.

શહેરની સુંદરતા માટે મોટાકામ સૂચવો : બાંધકામ સમિતિ ચેરમેન
બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજાઅે જણાવ્યું હતું કે, ભુજની સુંદરતા અને જરૂરિયાત પૂરા કરે અેવા રોડ રસ્તા સહિતના મોટા કામો સૂચવો. શેરી મહોલ્લા કે કોલોનીમાં ચાર ઈન્ટરલોક બ્લોક ઉખડી ગયા હોય તો અે સ્થાનિક રહેવાસી સંગઠનો જાતે પણ કરી શકે. અેવા અેક બનાવમાં મને કોલ અાવ્યો હતો. મેં મારા ખિસ્સામાંથી 400 રૂપિયા ખર્ચી અે કામ પૂરું કર્યું હતું. નગરપાલિકાને દરેક કામ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. અેમાં 5થી 7 મહિનાનો સમય લાગી જતો હોય છે. રજુઅાત સાથે તાત્કાલિક કામ હાથ ઉપર લઈ નથી શકાતા. અે મર્યાદા સમજી ધીરજ પણ રાખવી પડે.

તેરે વો કોલ-અો- કરાર કા ક્યા હુઅા : વિપક્ષીનેતા
પાલિકાના વિપક્ષીનેતા કાસમ સમા તેમનો ધાર્મિક તહેવાર ઈદ મનાવીને તાત્કાલિક તેમના વોર્ડના નાગરિકોની સમસ્યા લઈને હાજર થઈ ગયા હતા. તેમણે જાગૃતિ બતાવી હતી. તેમણે વોર્ડ નંબર 1, 2, 3, 4, 5ના રૂબરૂ કાર્યક્રમમાં નગરપતિઅે કરેલા વાયદા અને ખાતરી યાદ અપાવતા કહ્યું હતું કે, શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, અેનું શું થયું. નગરપતિઅે કહ્યું હતું કે, ડોસરાઈ તળાવ સહિતના સ્થળની મુલાકાત લીધી છે. મેં કરેલા વાયદા નિભાવવા હું ગંભીર છું.

અન્ય સમાચારો પણ છે...