લખપત તાલુકાના ગુનેરીમાં હાઇસ્કૂલનું મકાન બનાવવા 3-3 વખત ટેન્ડર બહાર પડ્યા બાદ અંતે અાજે રવિવારે ખાતમુહૂર્ત કરાશે ત્યારે સારણ ગામની શાળાનું કામ કયારે શરૂ થશે તેવા પ્રશ્નો લોકો દ્વારા ઉઠી રહ્યા છે.
ગુનેરી અને સારણમાં સરકારી માધ્યમિક શાળાના પોતિકા મકાન માટે જમીન અને ગ્રાન્ટ મંજૂર થયાને લાંબો સમય થયો છે પરંતુ ત્યારબાદ અા કામ અાગળ વધ્યું નથી. ગત સપ્ટેમ્બરમાં વિવિધ હાઇસ્કૂલોના કામ માટે ટેન્ડર બહાર પડાયા હતા, જેમાં સારણ શાળાના મકાનના બાંધકામની પ્રક્રિયા રિ-ટેન્ડરમાં ગઇ હતી. ગુનેરી શાળાનું પ્રથમ ટેન્ડર મંજૂર કરાયું હતું પરંતુ ત્યારબાદ ગમે તે કારણોસર કામ અટકી પડ્યું હતું. માર્ચ અેન્ડિંગના પગલે હવે ફરી શાળાનું મકાન બનાવવાની જાહેરાત કરી અાજે રવિવારે તેના કામનું ખાતમુહૂર્ત પણ કરી દેવાશે.
ત્યારે સારણમાં મજૂર થયેલી શાળાનું બાંધકામ કયારે શરૂ થશે તેવા પ્રશ્નો સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહ્યા છે. ગુનેરી હાઇસ્કૂલનું પોતાનું મકાન ન હોઇ પ્રાથમિક શાળાના અોરડામાં છાત્રોને અભ્યાસ કરાવાય છે. અગાઉ ગુનેરી શાળાના મકાન માટે જમીન, ગ્રાન્ટ મંજૂર થઇ ગયા બાદ 3-3 વખત ટેન્ડર બહાર પડાયા બાદ રદ કરાયા હતા. 338 કરોડના ખર્ચે બનનારા મકાનનું અાજે રવિવારે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.
સારણ શાળાના છાત્રો સમાજવાડીના અેક જ રૂમમાં અગવડતા સાથે કરે છે અભ્યાસ
સારણમાં હાઇસ્કૂલના મકાન માટે જમીન અને ગ્રાન્ટ મંજૂર થઇ છે પરંતુ તેનું કામ હજુ સુધી ચાલુ કરાયું નથી. વર્તમાન સમયે શાળામાં ધોરણ 9 અને 10ના છાત્રો સમાજવાડીના અેક જ રૂમમાં અભ્યાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.