પદ્ધર પોલીસનું પરાક્રમ સફળ:1800 કિલોમીટર દૂર ઓરિસ્સા પહોંચીને ડ્રગ્સ પેડલરને નાટકીય ઢબે પકડ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરીબંધુદાસ - Divya Bhaskar
હરીબંધુદાસ
  • માધાપરથી ધાવડાના બે શખ્સો ગાંજા સાથે પકડાયા બાદ ઓરિસ્સા કનેકશન ખુલ્યું હતું
  • સૂત્રધારને પકડવા કોઇ પોલીસ કર્મી પેસેન્જર બન્યા તો અમુક ચા પીવાના ડોળે આરોપીને કર્યો નજરકેદ

ફિલ્મ ગંગાજળમાં આરોપીને પકડવા માટે અજય દેવગણ સહિતના પોલીસ અધિકારી બનેલા અભિનેતાઓએ કોર્ટની બહાર ટાઈપીસ્ટ,સ્ટેમ્પ વેન્ડર, વિક્રેતા કે ચાના ફેરિયાની ભૂમિકા ભજવી હતી અને આરોપી આવતા જ તેને ઓળખી ઘેરી લઈ ઝડપી લીધો હતો બસ આવી જ રીતે પશ્ચિમ કચ્છની પધ્ધર પોલીસે ઠેઠ ઓરિસ્સા પહોંચી નશીલા પદાર્થના મોટા ધંધાર્થીને ઝડપી પાડ્યો છે.

તાજેતરમાં ભુજ એસઓજીએ માધાપર હાઇવે પરથી નખત્રાણા તાલુકાના ધાવડા ગામના દેવીસિંહ ભચલસિંહ સોઢા અને અનિલકુમાર વિઠ્ઠલદાસ સાધુને ટ્રક નંબર GJ 12 BX 6390 સાથે ખોજા કબ્રસ્તાન સામે રોક્યા હતા.જ્યાં ટ્રકની કેબિનમાંથી 30 હજારનો 3 કિલો ગાંજો અને દારૂની બોટલો મળી હતી.પૂછપરછ દરમ્યાન ધાવડાના બન્ને શખ્સોએ ઓરિસ્સાના બાલાંગડી ખાતેથી ગાંજો ખરીદી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. બનાવ સંદર્ભે માધાપર પોલીસમાં એનડીપીએસ અને પ્રોહીબિશનની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જેની ક્રોસ તપાસ પધ્ધર પોલીસને સોંપવામાં આવી છે. જેથી પીએસઆઈ વનરાજસિંહ ઝાલા સાથે ટીમ રવિવારે આરોપીને સાથે રાખી ઓરિસ્સા જવા રવાના થઈ હતી.જ્યાં આ કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરી આરોપીને ઝડપી લેવાયો હતો.

પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,પ્રથમ પડકાર અજાણ્યા શહેરમાં જઈને અજાણ્યા આરોપીને શોધવાનો હતો. પદ્ધરથી પોલીસ જીપમાં પીએસઆઈ સહિત કર્મચારીઓ 1800 કિલોમીટરનું અંતર કાપીને ઓરિસ્સા પહોંચ્યા અને એક દિવસ સ્થાનિકે સર્વે કરી રેકી ગોઠવી બાદમાં બીજા દિવસે જે વ્યક્તિએ ધાવડાના શખ્સને માલ આપ્યો હતો તેને ફોન કરીને વધુ માલ જોઈએ છે તેમ કહી બોલાવાયો હતો.

આરોપીને રંગેહાથ પકડવાનો હોઈ પોલીસ કર્મચારીઓએ વોચ ગોઠવી હતી. જેમાં એક કર્મચારી પેસેન્જર બન્યો અને રીક્ષા રોકવા માટેનો પ્રયાસ કર્યો, એક કર્મચારી ચા પીવા માટે કેબિનમાં ગયા,અન્ય લોકો આસપાસમાં ગોઠવાઈ ગયા જેથી કોઈને શંકા ન જાય કે આ પોલીસવાળા છે.

આ દરમ્યાન આરોપી હરીબંધુદાસ ગાંજો લઈને આવ્યો જેથી તરત જ પીએસઆઈ વનરાજસિંહ ઝાલા અને તેમની ટીમે આરોપીને રંગેહાથ ચારેબાજુથી ઘેરી લઈ ઝડપી લીધો હતો. જેના કારણે હાઇવે પર ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. પદ્ધર પોલીસે ઓરિસ્સા જઈને એકલા હાથે ઓપરેશન પાર પાડ્યું હતું જેને લઈને સ્થાનિક પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. 1800 કિલોમીટરનો બાય રોડ સફર ખેડીને રાત-દિવસ રઝળપાટ કરીને ગયેલી પદ્ધર પોલીસની ટીમ ફરી 1800 કિલોમીટરનું અંતર કાપીને બાય રોડ પરત કચ્છ આવી પહોંચી હતી.

જે ઓપરેશન માટે ટીમ ગઈ અને તેમાં મહત્વપૂર્ણ સફળતા મળતા તમામ કર્મચારીઓના ચહેરા પરથી 3600 કિલોમીટરની લાંબી મુસાફરીનો થાક ઉતરી ગયો છે. પધ્ધર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ મીરાણી, ડ્રાઇવર મયુરસિંહ રાણા સહિતનો સ્ટાફ જોડાયાે હતા.

સ્થાનિક પોલીસની મદદ વિના પાર પડાયું ઓપરેશન
સામાન્ય રીતે અન્ય જિલ્લાની પરિસ્થિતિ સંદર્ભે બીજા જિલ્લાની પોલીસ વાકેફ ન જ હોય. જેથી ઓપરેશન વખતે સ્થાનિક પોલીસની મદદ લેવી જ પડે.પણ આ કિસ્સામાં ગુપ્ત રીતે પધ્ધર પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી.માત્ર વિસ્તાર અને સ્થાનિક ભાષા સંદર્ભેની પૂરક માહિતી માટે એક કર્મચારીની મદદ લેવાઈ હતી.

ટેકનીકલ સર્વેલન્સના આધારે છટકું ગોઠવી ઝડપાયો
પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી આર.ડી.જાડેજા દ્વારા નાર્કોટીક્સના વધુ કેસો શોધવા અને મૂળ સુધી પહોંચવા સૂચના આપવામાં આવી છે. જેથી આ કેસમાં તેમના માર્ગદર્શનમાં ઓરિસ્સા બલાંગીર ખાતે જઈ પ્લાનિંગ કરીને ગાંજો આપનાર આરોપી હરીબંધુદાસ મકરધ્વજદાસ (ઉવ.50) રહે પટનાગઢ,બલાંગીરને ટેકનીકલ સર્વેલન્સના આધારે છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે . > વનરાજસિંહ ઝાલા,પદ્ધર પીએસઆઈ

અન્ય સમાચારો પણ છે...