સામખિયાળીમાં સાથે મજુરીકામ કરતા બે મિત્રો ચા પી ને નિકળ્યા બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના રેલ્વે બ્રીજ નીચે એક મિત્ર બીજાને છરીના 30 થી વધુ ઘા ઝીંકી ઇજાગ્રસ્ત હાલતમાં રેલ્વે ટ્રેક ઉપર ફેંકીને ભાગી ગયો હોવાની ઘટનામાં મોડી રાત્રે ઇજાગ્રસ્ત યુવાને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
મૂળ પાટણના સમી તાલુકાના રાફુ ગામનો અને હાલે 7 વર્ષથી સામખિયાળી રહેતો 20 વર્ષીય દિપક નરશીભાઇ કોલી અને મુળ રાપરની સોમાણીવાંઢનો અજય રામશીભાઇ કોલી બન્ને સાથે મજૂરી કામ કરતા હતા અને મિત્રો હતા. આજે સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન બનેલી ઘટનામાં અજય અને દિપક સાથે ચા પીધા બાદ બાઇક પર નિકળ્યા હતા. અજયે બાઇક સામખિયાળીના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા રેલ્વે બ્રીજ નીચે લઇ જઇ અચાનક અજયે છરી કાઢી દિપકને છરીના 30 થી વધુ ઘા ઝીંકી તેને રેલ્વે ટ્રેક પર ફગાવી ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ દિપકે તેના ભાઇને ફોન કરી જાણ કર્યા બાદ સારવાર અર્થે લઇ જવાયો હતો સ્થાનિક પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. આ ઘટના બાદ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ ધસી ગયા હતા. મોડી રાત્રે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત 20 વર્ષીય દિપકે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
છરી મારનાર અજય પરિણીત હતો અને દિપક અપરિણીત હતો
આ ઘટનામાં દિપક અને અજય બન્ને સાથે મજૂરી કામ કરતા હતા વળી ચા પીધા બાદ બન્ને સાથે નિકળ્યા હતા અને અજયે આ રીતે મારી નાખવાના ઇરાદે દિપકનેછરીના ઘા ઝીંકી દીધા ત્યારે બન્ને મિત્રો વચ્ચે એવો શું વાંધો પડ્યો કે જીવલેણ હુમલો કરવાની નોબત આવી. સૂત્રોનું માનીએ તો છરી મારનાર અજય પરિણીત હતો અને દિપક અપરિણીત હતો. હવે કયા કારણોસર આ ઘટનાને
અંજામ અપાયો એ તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવી શકે.
શું છરીના ઘા ઝીંકી રેલ્વે ટ્રેક પર ફેંકી અકસ્માતનો કારસો હતો ?
આ ઘટનામાં બે મિત્રો બાઇક પર સામખિયાળી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા રેલ્વે બ્રીજ નીચે પહોંચ્યા હતા જ્યાં અજયે દિપકને છરીના ઘા મારી રેલ્વે ટ્રેક પર ફેંક્યો હતો. શું અકસ્માતમાં ખપાવી દેવા આ પ્રકારનો કારસો રચાયો હતો ? સાચી હકિકત તો પોલીસ તપાસમાં બહાર આવશે હાલ આ ઘટના ચર્ચાનો વિષય બનસી છે.
રેલ્વેની હદમાં બનેલી ઘટનામાં રેલ્વે પોલીસને જાણ કરાઇ
સામખિયાળી રેલ્વે બ્રીજ નીચે રેલ્વે ટ્રેક પર મોડી સાંજે બનેલી ઘટનામાં જાણ થતાં જ સામખિયાળી પોલીસે ઘટનાસ્થળે ધસી જઇ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ આ ઘટના રેલ્વે પોલીસની હદ્દમાં થઇ હોવાને કારણે બાદમાં રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ગાંધીધામ રેલ્વે પોલીસે સ્થળ પર પહોંચી હતી.
ઘટનાસ્થળ પાસેથી પોલીસે બાઇક કબજે કર્યું
આજે સાંજે બનેલી આ ચકચારી ઘટના પહેલાં અજય અને દિપક બન્ને બાઇક પર સાથે નિકળ્યા હતા. આ હત્યા બાદ ઇજાગ્રસ્ત દિપકને પોલીસે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે બાઇક કબજે કર્યુ઼ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.