પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા ભુજના ભુજીયા ડુંગરના સાનિધ્યમાં શહેરની શાન બનેલા સ્મૃતિવનમાં હવે કાયમી ધોરણે 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાતો જોવા મળશે. આગામી તાં. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે વર્ષ 2001ના કચ્છમાં આવેલા ભૂકંપની 23મી વરસીના સમયે સ્મૃતિવનમાં જિલ્લા કક્ષાની ઉજવણી સાથે ભૂકંપમાં દિવંગત આત્માઓની યાદમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન સ્મૃતિવનના ગેટ નંબર 2ની સામે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજને કાયમ ફરકતો કરવામાં આવસે. આ માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છના વડામથક ભૂજ શહેરમાં પ્રવેશતા પૂર્વે માધાપર તરફથી આવતા લોકોને ભવ્ય ભુજીયા ડુંગર પર અર્થકવેક ગેલેરી સાથે હવે દેશની આન, બાન અને શાનના પ્રતિક તિરંગો લહેરાતો પણ જોવા મળશે. આ માટે જીએસડીએમએ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું સંચાલન ભુજ નગરપાલિકા હસ્તે કરવામાં આવશે એવું ભુજ પ્રાંત અધિકારી ચાપલોતે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના પ્રવેશદ્વાર સમાં તાલુકા મથક ભચાઉમાં કસ્ટમ ચાર રસ્તા પર આવેલા મેઇન ગેટ ઉપર સુધારાઈ દ્વારા વિક્રમ નવા વર્ષથી 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે ફરકાવવા આવ્યો છે. પાલિકા અધ્યક્ષા કલાવતીબેન જોશીના પ્રયાસોથી નગરના જાહેર માર્ગ પર કાયમી તિરંગો ફરકતો રાખવામાં આવ્યો હોવાનું નગરસેવક ઉમિયાશંકર જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.