ભાસ્કર એક્સક્લુઝિવ:વિશ્વ વિરાસત સ્થળ બન્યા બાદ ધોળાવીરાને કેન્દ્ર તરફથી 1.25 કરોડની સહાય મળી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કૃતિ અને પર્યટન મંત્રીએ લોકસભામાં દેશના સ્મારકો અંગે આપેલી માહિતીમાં ઉલ્લેખ
  • જોકે ધોળાવીરાની બે વર્ષમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી મંત્રાલય પાસે પણ નથી !

ધોળાવીરાને વર્ષ 2021માં યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળ જાહેર કર્યું છે. ધોળાવીરા ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ આવે છે. ભારતમાં કુલ 40માંથી પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ દેશમાં 24 વિશ્વ વિરાસત સ્થળ આવેલા છે. હાલ ચાલી રહેલા સંસદ સત્રમાં લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આ 24 સ્થળોમાં કરવામાં આવેલા ખર્ચ અને પ્રવાસીઓની સંખ્યાની માહિતી આપવામાં આવી હતી. જેમાં ધોળાવીરામાં બે વર્ષમાં કુલ 1.25 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ હડપ્પન નગર ધોળાવીરાને 2021માં ચીનમાં મળેલી યુનેસ્કોની સભામાં વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો હતો. ધોળાવીરાની સાથે તેલંગણાના રૂદ્વેશ્વર રામપ્પા મંદિરને પણ વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરવામાં આવ્યા હતા. વિશ્વ વિરાસત સ્થળ જાહેર થતા ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ તરફથી પણ સ્થળને વિકસાવવા સહાય ચુકવવાની શરૂઆત થાય છે. તાજમહેલ, લાલકિલ્લો, ગોવા ચર્ચ, હમ્પી સ્મારકો જેવા વિશાળ સ્મારકો માટે દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે.

જોકે આ સ્થળોએ પ્રવાસીઓ પણ લાખોની સંખ્યામાં આવવાની સાથે પ્રવેશ શૂલ્કમાંથી સરકારને આવક થાય છે. જોકે ધોળાવીરામાં હજુ સુધી કોઇ પ્રવેશ શૂલ્ક રાખવામાં આવ્યું નથી. લોકો નિશૂલ્ક વિશ્વ ધરોહર સ્થળ જોઇ શકે છે. લોકસભામાં સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ2021-22માં ધોળાવીરામાં 1.06 કરોડનો ખર્ચ કરવમાં આવ્યો છે. જ્યારે વર્ષ 2022-23માં અત્યાર સુધી 18.75 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ દોઢ વર્ષમાં ધોળાવીરામાં વિવિધ સુવિધા માટે કુલ 1.25 કરોડ જેટલી રકમ ખર્ચ કરવામાં આવી છે.

ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળ ગુજરાતમાં ચાંપાનેર, પાટણની વાવ અને ધોળાવીરા આવે છે. આ ત્રણ સ્થાનોમાં સૌથી વધારે ચાંપાનેરમાં ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યાં વર્ષ 2021-22માં 1.37 કરોડ તથા ચાલુ વર્ષમાં અત્યાર સુધી 34 લાખ ખર્ચ કરાયો છે. તો પાટણની વાવમાં વર્ષ 2021-22માં 19.73 લાખ તથા ચાલુ વર્ષે 32.79 લાખનો ખર્ચ કરાયો છે. આમ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ હેઠળની ગુજરાતના ત્રણ વિશ્વ વિરાસત સ્થળો પૈકી સૌથી વધારે ચાંપાનેર અને ત્યારબાદ ધોળાવીરામાં રકમ ખર્ચ કરાઇ છે.

સરકારે લોકસભામાં અન્ય વિશ્વ વિરાસત સ્થળોમાં આવેલા પ્રવાસીઓ અને તેમાંથી પ્રાપ્ત થયેલી આવકની પણ માહિતી આપી હતી. જોકે ગુજરાતમાં ચાંપાનેર અને પાટણમાં રાણકી વાવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવકની માહિતી અાપવામાં આવી હતી. પણ ધોળાવીરામાં બે વર્ષમાં આવેલા પ્રવાસીઓની માહિતી સરકારે આપી ન હતી. ધોળાવીરામાં હાલ કોઇ પ્રવેશ શૂલ્ક નથી. જે સારી વાત છે. પરંતુ કેટલા પ્રવાસીઓએ ધોળાવીરાની મુલકાત લીધી તેનુ રજીસ્ટર તો સરકારે નિભાવવુ જરૂરી છે. પ્રવાસીઓની સંખ્યાના આધારે જ જે-તે સ્થળની નીતિઓ નક્કી થતી હોય છે.

મોદીઅે અંજારમાં ધોળાવીરાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો
ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળ બનાવવા પ્રધાનમંત્રીએ ખાસ અંગત રસ લીધો હતો. અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોદીએ ભાષણની શરૂઆત ધોળાવીરાના ઉલ્લેખ સાથે કરી હતી. તો તાજેતરમાં અંજાર ખાતે પોતાની ચૂંટણીની સભામાં મોદીએ ધોળાવીરાને વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...