ચક્કાજામ:અંજારના વરસામેડી હદમાં જીવલેણ અકસ્માત બાદ આજે રહેવાસીઓએ ચક્કાજામ કર્યો, પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો

કચ્છ (ભુજ )13 દિવસ પહેલા
  • ગઈકાલે આ માર્ગે કિશોરીને ટ્રકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું
  • લોકોએ ફ્લાય ઓવરની માગ સાથે એક કલાક સુધી રસ્તો બ્લોક કરતા પોલીસ દોડી ગઇ

અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવતા રિવેરા એલિગેંસ સોસાયટી પાસે ગઈકાલે 17 વર્ષીય આશાસ્પદ તરુણીનું ટ્રક હડફેટે ઘટનાસ્થળે જ કમકમાટીભયું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ સ્થાનિક તથા આસપાસના વિસ્તારના લોકોમાં દુઃખની લાગણી સાથે બેફામ ચાલતા વાહનો પ્રત્યે રોષની લાગણી ફેલાઇ હતી. જેના પ્રત્યાઘાત આજે ઘટનસ્થળે જોવા મળ્યા હતા, જ્યાં બપોરના 4 વાગ્યાથી અંદાજિત 200 જેટલા રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને સદગત તરુણીને માર્ગ પર મીણબત્તી જલાવી શ્રદ્ધાજલિ પાઠવી હતી. આ દરમિયાન રસ્તો બ્લોક કરી મુક્ત બન્ને તરફ વાહનોની કતારો ઉભી રહી ગઈ હતી. બનાવના પગલે અંજાર પોલીસ અને ગાંધીધામ એલસીબી સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે સમજાવટના પ્રયાસ બાદ મામલો થાળે પાડવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

સમજાવટના અંતે લોકો પર પોલોસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે એક્ટિવા બાઈકથી રિવેરા એલિગેન્સ સોસાયટી તરફ જઈ રહેલી 17 વર્ષીય સ્નેહા આચાર્યને ઘસમસતી ટ્રકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આથી વ્યથિત બનેલા સ્થાનિક લોકોએ આજે કંડલા એરપોર્ટ માર્ગ પર ફ્લાય ઓવરની માગ સાથે પરિવહન કરતા વાહનો પર રોક લગાવવાની રજુઆત સાથે માર્ગ બંધ કરી મુક્યો હતો. જે બપોરના 4 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યથાવત રહેતા સેંકડો વાહનોની કતારો જામ થઈ ગઈ હતી.

ઘટનાના પગલે દોડી આવેલી અંજાર પોલીસ અને ગાંધીધામ એલસીબીએ મામલો થાળે પાડવા લોકોને રસ્તા પરથી ખસી જવા સમજાવ્યા હતા. અંતે વાહન વ્યવહાર પૂર્વવત કરવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેમજ ત્રણ જેટલા વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકોની ભાગદોડ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...