જિલ્લા મથક ભુજ એરપોર્ટમાં એક સમયે મહિને 18 થી 20 હજાર પ્રવાસીઓની અવરજવર નોંધાતી હતી પણ બાદમાં જેટ એરવેઝની સેવા બંધ થઈ અને પછી કોરોના આવ્યો જેના કારણે હયાત ફલાઇટ પણ બંધ થઈ જતા આંતરરાષ્ટ્રીય ફલાઈટનો દરજ્જો મેળવવા ઝંખના કરતું ભુજ એરપોર્ટ અસ્તિત્વ ટકાવવા પણ ઝઝૂમી રહ્યું હતું પણ તાજેતરમાં ભૂજથી કર્ણાટકના બેલગાવની ફલાઇટ સેવા શરૂ થઈ અને તે બાદ ભુજ-મુંબઈની ફલાઇટ કે જે માત્ર અઠવાડિયામાં 4 દિવસ હતી તે રેગ્યુલર થઈ જતા મુલાકાતીઓની સંખ્યામાં હવે વધારો થયો છે.
43 મહીનાના લાંબા સમયગાળા બાદ ભુજ એરપોર્ટ પર મહીનાના પ્રવાસીઓની સંખ્યા 4 હજારને પાર થઈ છે. વર્ષ 2018-19 માં જેટ એરવેઝની ફ્લાઇટ દરરોજ ભુજથી મુંબઈ વચ્ચે ઉડાન ભરતી હતી અને તે સમયે મહિનાના પ્રવાસીઓની સંખ્યા 19 હજારની આસપાસ રહેતી હતી. પરંતુ જેટ એરવેઝ બંધ થયા બાદ ભુજથી મુંબઈને જોડતી કોઈ ફ્લાઇટ ટકી શકી નથી. જે બાદ એલાયન્સ એરની 35 સીટર ફ્લાઇટ કે જે સપ્તાહમાં ચાર દિવસ હતી તેને ચૂંટણી અને રણોત્સવ પૂર્વે રેગ્યુલર કરવામાં આવી જેથી રોજિંદી ફલાઇટ સેવાના કારણે એરપોર્ટ ધમધમતું થયું હતું.
હાલમાં પ્રવાસન સીઝન હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે તો આગામી ફેબ્રુઆરી મહિનામાં સફેદ રણ ખાતે જી-20 ની સમીટ યોજાવાની છે જેને લઈને વિદેશના ડેલીગેટ્સ ધોરડો આવશે જેથી એરપોર્ટ પર અવરજવરમાં વધારો થશે.આંકડાકીય માહિતી પર નજર કરીએ તો છેલ્લે માર્ચ 2019માં 6118 પ્રવાસીઓ નોંધાયા હતા તે બાદ એરપોર્ટ પર 2 થી 4 હજારની અંદર પ્રવાસીઓ આવતા,43 મહિના બાદ નવેમ્બર 2022માં ભુજ એરપોર્ટ પર 4244 મુસાફરોની અવરજવર નોંધાઇ છે. વધતા મુસાફરોની સંખ્યા એરપોર્ટ પર હવે નવી ફલાઇટ જોઇએ તે સૂચવે છે.
ભુજ એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા માટે અવાર નવાર શહેરના જાગૃત નાગરીકો, ચેમ્બર સહિતનાઓ દ્વારા કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવી છે. હવે તો મુસાફરોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે તાકીદના ધોરણે નવી હવાઇ સેવા મળે તે માટેનો સૂર પ્રવાસી વર્ગમાંથી ઉઠી રહ્યો છે.
જાણો 2022માં ભુજથી કેટલા પ્રવાસીઓ નોંધાયા
મહીનો | પ્રવાસી | ફલાઇટ |
જાન્યુઆરી | 1936 | 40 |
ફેબ્રુઆરી | 2065 | 40 |
માર્ચ | 2405 | 44 |
એપ્રિલ | 2223 | 56 |
મે | 1975 | 44 |
જૂન | 3083 | 92 |
જુલાઈ | 2818 | 78 |
ઓગસ્ટ | 2923 | 78 |
સપ્ટેમ્બર | 3027 | 84 |
ઓક્ટોબર | 3110 | 92 |
નવેમ્બર | 4244 | 110 |
8 માસમાં 634 ફલાઇટ આવી,ગત વર્ષે 204 હતી
એપ્રિલ થી નવેમ્બરના 8 મહીનાના સમયગાળામાં ભુજ એરપોર્ટ પર 634 ફલાઈટનું ઉતરાણ થયું છે.રણોત્સવમાં આવતા પ્રવાસીઓ પોતાના ચાર્ટડ પ્લેન લઈને આવી રહ્યા છે તો ચૂંટણીમાં પણ ખાનગી વિમાનની અવરજવર હતી ગત વર્ષે આ સમયગાળામાં માત્ર 204 જ ફલાઇટ નોંધાઇ હતી.મુસાફરોની જો વાત કરીએ તો આ સમયગાળામાં 14 હજાર
પ્રવાસીઓ વધ્યા છે.
સુવિધા તમામ,હવે દિલ્હી,મુંબઈની ફલાઇટ જોઈએ
એરપોર્ટ પર તમામ પ્રકારની સુવિધાઓ છે,તાજેતરમાં કરાયેલા રીનોવેશન દરમ્યાન હવે એકસાથે 4 વિમાન પાર્ક થઈ શકે છે ત્યારે મુંબઈ અને દિલ્હીની વધુ સેવા શરૂ થાય તેવી માંગણીઓ ઉઠવા પામી છે પણ મહ્ત્વનું છે કે,ખાનગી એરલાઇન્સ કંપનીઓએ ભુજ એરપોર્ટને માત્ર કમાણીનું સાધન બનાવ્યું છે.જેથી રણોત્સવ બાદ હયાત સેવા બંધ ન થાય તે જોવાની પણ ફરજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.