બેકારી કે બચવાની યુક્તિ:પોલીસની બીક લાગતા પતિએ જી.કે.ની સામે મૃતદેહ રઝળતો મુક્યો, બાદમાં મજૂરી માટે વાંકી ગયો ને પકડાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૌટુંબિક બાબતમાં થયેલા ઝઘડામાં હતભાગી મહિલાને પગના ભાગે ધોકાથી માર મરાતા ગંભીર ઇજાઓથી મોત થયું હતું
  • કોટડા ચકારના ચકચારી હત્યા કેસમાં પતિ ઝડપાઇ જતા રાઝ ખુલ્યા

ગત શુક્રવારે ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે કોઈ અજાણ્યો વ્યક્તિ છકડા રીક્ષામાં આવ્યો અને મહિલાનો મૃતદેહ રઝળતો મૂકી નાસી ગયો હતો.જે કેસમાં પોલીસે તપાસ કરતા મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.જે કેસમાં વિવિધ ટીમોએ કરેલી મહેનત બાદ આરોપી પતિને મુન્દ્રાના વાંકી ગામમાંથી ઝડપી લેવાયો છે.આ ઘટનાએ શહેરભરમા ભારે ચકચાર મચાવી હતી,કારણકે જાહેરમાં મહિલાની લાશને મૂકી દેવામાં આવી હતી.

જેથી લોકોના મનમાં અનેક સવાલ ઉદ્દભવ્યા હતા કે આ લાશ કોની છે ?,તેને કોણ મૂકી ગયું ?,હત્યા કયા કારણોથી થઈ ? જોકે પોલીસની ત્વરિત કાર્યવાહીથી અનેક પ્રશ્નો પરથી પડદો ઊંચકાઈ ગયો છે.જે સાંભળીને સૌ કોઈના રૂંવાડા ઉભા થઇ જાય તેમ છે.કારણકે બેકારી અને ગરીબાઈની હદ એટલી બધી છે કે,હત્યાના બનાવને અંજામ આપ્યા બાદ પતિ લાશને જી.કે.સામે મૂકી ગયો અને બાદમાં રોજગારીની શોધમાં નીકળી ગયો હતો.જ્યાં તે પકડાઈ ગયો છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,કોટડા ચકાર ગામે રહેતા હતભાગી 35 વર્ષીય વાલબાઈ મુકેશ કોલીની ઘરે હત્યા કરવામાં આવી હતી.

ગત ગુરુવારે રાત્રે કૌટુંબિક બાબતમાં થયેલા ઝગડામાં હતભાગીને પગના ભાગે ધોકા મારવામા આવ્યા જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને તાત્કાલિક સારવાર ન મળવાથી મોત થયું હતું.બાદમાં પતિ મેરામણને પોલીસ કાર્યવાહીની બીક લાગી અને ડરના માર્યા તેને કાંઈ સૂઝ્યું નહિ જેથી તેણે લાશને સગેવગે કરવા છકડો ભાડે કર્યો અને કોટડા ચકારથી લાશને તેમાં રાખી હતી ત્યારે જ છકડાચાલકે પૂછ્યું હતું કે,આ બેન કોણ છે ત્યારે મેરામણે પત્ની બીમાર હોઈ બેભાન થઈ ગઈ છે તેવું કહ્યું હતું.

જેથી છકડાચાલકે તેમને બેસાડયા બાદમાં જી.કે.ની સામે કહેતા ઉતાર્યા હતા પછી કેસ પેપર કઢાવવા જાઉં છું તેમ કહી મેરામણ તેની દીકરીને લઈને ફરાર થઈ ગયો હતો બાદમાં પોલીસને જાણ થતાં લાશને હોસ્પિટલમાં લઈ જઈ ઓળખ કરી પરિવારને કબ્જો અપાયો હતો.પતિની નિર્દયતા કહો કે પછી ગરીબાઈ પણ મૃતદેહ મુક્યા બાદ મેરામણ સીધો નોકરીની શોધમાં નીકળી ગયો હતો.શનિવારે હત્યાનો ગુનો દાખલ થયા બાદ મેરામણને શોધવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી અને ગામમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે,મેરામણ અગાઉ વાંકી ગામે મજૂરી કરતો હતો

જેથી ત્યાં કેમ્પ ગોઠવવામાં આવ્યો અને અહીં મેરામણની હાજરી હોવાની જાણ બાતમીદારો દ્વારા કરવામાં આવતા પધ્ધર પોલીસની ટીમ મુન્દ્રા તાલુકાના વાંકી ગામે વાડી વિસ્તારમાં પહોંચી ત્યારે વાંકીથી કારાઘોઘા ગામ તરફ જતા રોડની આથમણી સીમમાંથી આરોપીને ઝડપી લેવાયો હતો.તપાસમાં સામે આવ્યું કે,મેરામણ અહીં રોજગારીની શોધમાં આવ્યો હતો અને અગાઉ પણ અહીં જ નોકરી કરતો હતો.પધ્ધર પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે અન્ય આરોપીઓની ભૂમિકા તપાસવા પણ તપાસ તેજ બનાવી છે.

આરોપીના ગુરુવાર સુધીના રિમાન્ડ મંજુર થયા
પધ્ધર પોલીસના પીએસઆઈ જે.ડી.સરવૈયાએ જણાવ્યું કે,આરોપી મેરામણ રામજી ઉર્ફે મમલો ડુંગરિયા (મહેશ્વરી)(રહે.હાલે ભુજ સંજયનગરી અને મૂળ ચપરેડી)વાળા શખ્સની વાંકી વિસ્તારમાંથી અટકાયત કર્યા બાદ રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં કોર્ટે આરોપીના ગુરુવાર સુધીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.રિમાન્ડ દરમ્યાન ઓળખ પરેડ કરવા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી અન્ય આરોપીઓની ભૂમિકા તપાસવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...