ભાસ્કર વિશેષ:સૌથી મોંઘી ખાનગી મેડિકલ કોલેજોમાં અદાણી ત્રીજા સ્થાને !

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધધ 17.90 લાખ મેનેજમેન્ટ ક્વોટા તથા રૂા. 6.65 લાખ સરકારી ક્વોટાની ફી
  • વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં મળી જાણકારી : અમદાવાદની બે મોખરે, રાજ્યમાં માત્ર છ સરકારી કોલેજ!

સેંકડો માતા-પિતા પોતાના બાળકોને ડોક્ટર બનાવવાના સપના જોતા હોય છે. તે સપનાને પૂર્ણ કરવા સંતાનો પણ હોશેહોશે અનેક મુશ્કેલીઅો અને સ્પર્ધા વચ્ચે અભ્યાસ કરી અાગળ વધે છે. પરંતુ વર્તમાનમાં શિક્ષણ અેટલુ મોંઘુ થઇ ગયું છે કે સરકારી કોલેજમાં જો પ્રવેશ ન મળે તો મેડિકલના અભ્યાસ માટે વર્ષે દસ લાખથી વધારે રકમ ખર્ચવી પડે છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજ માત્ર 6 છે. ખાનગી સહિત રાજ્યમાં કુલ 30 મેડિકલ કોલેજ અાવેલી છે. જેમાં બીજા નંબરે સાૈથી મોંઘી કોલેજ ભુજ સ્થિત અદાણી મેડીકલ કોલેજ છે !

હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાઅે સોમવારે રાજ્યમાં અાવેલી અેમબીબીઅેસ કોલેજો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં સરકારી અને ખાનગી કોલેજોની માહિતી અાપવામાં અાવી હતી. રાજ્યમાં માત્ર 6 સરકારી મેડિકલ કોલેજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર તથા જામનગરમાં અાવેલી છે. સરકારી કોલેજોમાં વાર્ષિલ 25 હજાર ફીની જોગવાઇ છે.

તો ગુજરાત મેડિકલ અેજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત કોલેજોમાં ગર્વમેન્ટ કોટામાં રૂા. 3.30 લાખ, મેનેજમેન્ટ ક્વોટામાં રૂા. 9,07,500 તથા અેનઅારઅાઇ ક્વોટામાં 22 હજાર ડોલરની વાર્ષિક ફી છે. તો બીજીબાજુ ખાનગી કોલેજો તો પોતાના હિસાબે ફી રાખે છે. જેમાં ભુજ સ્થિત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ અોફ મેડિકલ સાયન્સીસ કોલેજનો સમાવેશ થાય છે. રાજ્યમાં અાવેલી 15 ખાનગી કોલેજોમાં સાૈથી વધુ ફી અમદાવાદ સ્થિત અેઅેમસી કોલેજની છે. જ્યાં મેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 18.40 લાખ અને ગવર્મેન્ટ ક્વોટાની ફી 7.31 લાખ છે.

તો બીજા નંબરે અમદાવાદની જ અેનઅેચઅેલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે જેની મેનેજમેન્ટ ક્વોટામાં રૂા. 18.25 લાખ તથા ગવર્મેન્ટ ક્વોટામાં રૂા. 5.93 લાખ છે. ત્રીજા નંબરે ભુજ સ્થિત અદાણી મેડિકલ કોલેજ છે. જ્યાં મેનેજમેન્ટ ક્વોટાની ફી અધધ રૂા. 17.90 લાખ છે. જ્યારે ગવર્મેન્ટ ક્વોટાની ફી રૂા. 6.65 લાખ છે. જોકે ભુજની કોલેજે વર્ષ 2021-22થી 2023-24 સુધી ત્રણ વર્ષમાં કોઇ ફી વધારો કર્યો નથી.

ઇમારત તો વડાપ્રધાન ભંડોળમાંથી બની છે !
2001ના ભૂકંપમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલ પણ જમીનદોસ્ત થઇ હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી 100 કરોડથી વધુની રકમમાંથી નવી હોસ્પિટલ બનાવવામાં અાવી હતી. જેનું લોકાર્પણ ખૂદ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં અાવ્યું હતું.

જોકે થોડા વર્ષો બાદ અા હોસ્પિટલ પીપીપીના માધ્યમથી અદાણી ગ્રુપને સોંપવામાં અાવી હતી. જેમાં અદાણી ગ્રુપ દ્રારા જ મેડિકલ કોલેજ પણ ચલાવવામાં અાવે છે. પ્રધાનમંત્રી ભંડોળમાંથી બનેલી અાખેઅાખી હોસ્પિટલ ખાનગી કંપનીને સંચાલન અને મેડિકલ કોલેજ માટે ફાળવી દેવાતા વિપક્ષ દ્વારા વારંવાર અા મુુદ્દે ગંભીર અાક્ષેપો કરાતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...