હુકુમ:કેમ્પ એરિયામાં સાડા ચાર વર્ષ અગાઉની હત્યાના આરોપીને આજીવન કેદની સજા

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાહાથીમાંથી બેટરી કાઢવા બાબતે છરીના ઘા ઝીંકી કાસળ કઢાયું હતું
  • અન્ય 3 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા

છોટાહાથીમાંથી બેટરી કાઢવા જેવી બાબતે ભુજના કેમ્પ એરિયામાં આવેલા માંજોઠી મસ્જિદ પાસેના ચોકમાં છરીના ઘા ઝીંકીને યુવાનનું કાસળ કાઢવામાં આવ્યું હતું જે ચકચારી બનાવમાં ભુજ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે તો અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા છે. આ કેસની વધુ વિગતો મુજબ 22 જાન્યુઆરી 2018માં છોટાહાથીમાંથી બેટરી લેવાના બાબતે મનદુ:ખ રાખીને કેમ્પ વિસ્તારમાં આવેલી માંજોઠી મસ્જિદ પાસેના ચોકમાં ગફાર રહેમતુલ્લા થેબાની હત્યા કરવામાં આવી હતી.

આરોપી ભચુ રમજુ લાખા, રસીદ ભચુ લાખા અને હમીદ ભચુ લાખાએ હતભાગીને પકડીને રાખ્યો હતો જ્યારે સિકંદર અનવર લાખાએ છરીના ઘા ઝીંકી દીધા હતા.જેથી બી ડિવિઝન પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી ભુજ સેશન્સ કોર્ટમાં ચાલી જતા 20 સાક્ષીઓ, 34 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંહ રાણાએ 58 પાનાનો ચુકાદો આપ્યો હતો.

જેમાં આરોપી સિકંદર લાખાને આજીવન કેદની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે તથા તેને 20 હજારનો દંડ અને 3 માસની સજા,જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે. આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઈ મહેશ્વરીએ હાજર રહી દલીલો કરી હતી.ફરિયાદી પક્ષે એડવોકેટ આર.એસ.ગઢવી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...