મોટી દુર્ઘટના ટળી:ભચાઉના સુરજબારી બ્રિજ પાસે LPG ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ટેન્કરમાં ગેસ લીક થતા અફરાતફરી સર્જાઈ

કચ્છ (ભુજ )10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છથી મોરબી તરફ જતા ટેન્કર અને ટ્રેલર અકસ્માતે પલટી ગયા, જાનહાનિ ટળી

સામખિયાળી-મોરબી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે 11 વાગ્યાના અરસામાં સુરજબારી બ્રિજ નજીક LPG ભરેલા ટેન્કર સાથે કોલસી ભરેલા ટ્રેલરની ટક્કર બાદ બન્ને વાહનો માર્ગ પરથી ઉતરી પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાંથી LPG લીક થતા ભયનો માહોલ ઉભો થયો હતો. અકસ્માત બાદ સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારાબનાવની જાણ તંત્રને કરવામાં આવી હતી. જેના પગલે ભચાઉ અને મોરબી સુધારાઈના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ટેન્કરમાં રહેલા લીકેજને બંધ કરવાની કામગીરી સુપરે પાર પાડી હતી. સદભાગ્યે આ ઘટનામાં બન્ને વાહન ચાલકનો બચાવ થયો હતો, તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે વાહનોમાં ભારે નુકશાન પહોંચ્યું હતું.

સામખીયાળી બાજુથી મોરબી તરફ આગળ વધી LPG ભરેલા ટેન્કર અને કોલસી ભરેલા ટ્રેલર એકમેક સાથે ટકરાઈને સુરજબારી બ્રિજ પાસે માર્ગ પરથી ઉતરી પલટી ગયા હતા. અકસ્માતની ગંભીરતા એ હતીકે LPG ટેન્કરમાં લીકેજ સર્જાયું હતું. જે માર્ગ પરથી સતત પસાર થઈ રહેલા અન્ય વાહનો માટે જોખમકારક હતું. પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પૂર્વેજ મોરબી અને ભચાઉની ફાયર ટીમે લીકેજ પર લાકડાનું સિલ લગાડી બંધ કરી દીધું હતું. આ કામગીરીમાં ભચાઉ સુધારાઈ હસ્તકના ફાયર મેન પ્રવીણ દાફડા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...