લોકો ઠંડીમાં ઠુઠવાયા:અબડાસા-નખત્રાણા વિસ્તારમાં બરફની ચાદર પથરાઇ, નલિયાનું તાપમાન રેકોર્ડબ્રેક 1.4 ડિગ્રી નોંધાયું

કચ્છ (ભુજ )12 દિવસ પહેલા

દેશની પશ્ચિમ દિશાએ આવેલા અને રણ સમુદ્રની સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં ઠંડીનું સામ્રાજ્ય સર્જાઈ જતા જન જીવન ઠંડુંગાર બની ગયું છે. નલિયામાં આ વર્ષનું સૌથી નીચું 1.4 ઉષ્ણતાપમાન નોંધાયું છે, જેના કારણે અબડાસા તાલુકાના અનેક ગામોમાં વાહનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે. તો પાડોશી નખત્રાણા તાલુકામાં પણ હિમ પડવાની ઘટના બની છે. ઠંડીનું જોર વધી જતાં લોકોએ કામ સિવાય ઘરથી બહાર નીકળવાનું ટાળી દીધું છે. ભુજમાં 7.6 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચતા સવારના અરસામાં જાહેર માર્ગો પર લોકોની ચહલ પહલમાં ઘડાડો જોવા મળી રહ્યો છે.
વાહનો પર ઠાર જામી ગયા
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતરાણના બીજા દિવસે ઠંડીનો પારો ઘટી જતાં વાતવરણમાં શિત લહેર ફેલાઈ ગઈ છે. અતિ ઠંડીના કારણે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. ઠેર ઠેર ચાની લારી પર લોકો એકથી વધુ વખત ચા પિવા મજબુર બન્યા છે. તેમાં અબડાસા અને નખત્રાણા પંથકમાં ઠંડીનું જોર વિશેષ જોવા મળ્યું હતું. નાના મોટા પાર્ક કરેલા વાહનો પર ઠાર જામી જતા રીતસર બરફની ચાદર જોવા મળી હતી.
પૂર્વ કચ્છની વાત કરીએ તો અંજાર, ભચાઉ અને વાગડ વિસ્તારમાં પણ ઠંડા માહોલમાં જન જીવન અસર પામ્યું છે. ખાસ કરીને વાગડ વિસ્તારમાં હાલ ઓસવાડ જૈન સમાજના વિવિધ નુખના લોકો આંતર રાજ્યોથી દેવસ્થાને વાર્ષિક પ્હેડી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તેઓ વતનમાં ( દેશમાં) આવીને ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે. હાલ ઠંડીની ચર્ચા મુંબઇ મહારાષ્ટ્ર સહિતના બૃહદ કચ્છ વાસીઓ સુધી પહોંચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...