રખડતા ઢોરોનો આતંક:અંજારમાં સવાશેર નાકા પાસે આખલાએ બાઈક ચાલક યુવકને હડફેટે લીધો, યુવકને ગંભીર ઈજાઓ

ભુજએક મહિનો પહેલા
  • આખલાએ અડફેટે લેતાં બાઈક ચાલક જમીન પર પટકાઈને બેહોશ થઈ ગયો
  • ઘટના બાદ સ્થાનિક લોકોએ રખડતા આખલાઓને ડબ્બે પૂરવાની માંગ કરી

અંજાર શહેરના સવાશેર નાકા પાસે ગઈકાલે બુધવારે સાંજે પસાર થતા બાઈક ચાલકને રખડતા આખલાએ હડફેટે લેતાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગઇકાલે બે આખલા એકમેક સાથે યુદ્ધ કરી રહ્યા હતા તે સમયે આ બનાવ બનવા પામ્યો હતો. દરમિયાન એક આખલો લડાઈ મૂકીને રોડ તરફ આવી ચડ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને હડફેટે લીધો હતો.

આખલાએ અડફેટે લેતાં બાઈક ચાલક જમીન પર પટકાઈને બેહોશ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો ઘાયલ યુવક પાસે દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં મદદરૂપ બન્યા હતા.

રખડતા આખલાઓના કારણે સમગ્ર જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને તેમાં અનેક માનવ જિંદગી પર પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. તેમ છતાં આખલાઓ પર કોઈ જ અંકુશ મૂકવામાં આવતો નથી. અંજારમાં સવાશેર નાકા પાસે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ રખડતા આખલાઓને ડબ્બે પૂરવાની માગ કરી હતી. જો કે ગઈકાલે આખલાની ટક્કરથી ઇજા પામેલા બાઈક ચાલક યુવકની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...