તપાસ:કૌટુંબિક કલેહમાં કોટડા-ચકાર ગામે પરિણીતાની કરાઈ હતી હત્યા,આરોપી પતિ દીકરીને લઈને નાસતો ફરે છે

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જી. કે. જનરલ હોસ્પિટલની સામે મળી આવ્યો હતો મહિલાનો મૃતદેહ
  • ત્રણ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી પદ્ધર પોલીસમાં રખાયા, આજે હત્યાનો ગુનો નોંધાશે

જી.કે.જનરલ હોસ્પિટલની સામે મહિલાની લાશ મળી આવવાના કેસમાં આ પ્રકરણ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતાં આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે હત્યાની ફરિયાદ લઈ પદ્ધર પોલીસને ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરી છે.

શુક્રવારે ચાર વાગ્યાના અરસામાં છકડામાં અજાણી વ્યક્તિ આવી અને 35 વર્ષની મહિલાની લાશને નીચે ઉતારી જમીન પર ચાદર પાથરીને સુવડાવીને છુ થઈ ગઇ હતી. જેથી આ અજાણી લાશ કોની છે અને કોણ રાખી ગયું તેની તપાસ માટે એલસીબી,બી ડિવિઝન અને પદ્ધર પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે છકડાચાલકનો પતો મળ્યા બાદ તપાસ કોટડા ચકાર સુધી ફંટાઈ અને રાત્રે જ બે વ્યક્તિને શકદાર તરીકે ઉઠાવી લેવાઇ હતી.

તપાસમાં સામે આવ્યું કે, હતભાગી વાલબાઈ મુકેશ કોલી છે અને તે કોટડા ચકારમાં રહે છે. રાત્રે તેઓ ઘરે હતા ત્યારે કૌટુંબિક બાબતમાં થયેલા ઝગડામાં પગના ભાગે ધોકા મારવામા આવ્યા જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને તાત્કાલિક સારવાર ન મળવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પતિ લાશને જી.કે ની સામે મૂકી ભાગી ગયો હતો.આ કેસમાં પતિ મેરામણ મમુ કોલી,સાસુ જાનુબાઈ,દિયર ધનજી કેશુનું નામ ખુલવા પામ્યુ છે. સૂત્રોએ જણાવ્યું કે,આ કેસમાં કુલ ત્રણ શકમંદ વ્યક્તિને પકડી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે રાઉન્ડઅપ કરી રાખવામાં આવ્યા છે. લાશ મૂકી જનાર આરોપી પતિ હાલ નાસતો ફરે છે અને તેની દીકરી પણ તેની સાથે જ છે.

દરમ્યાન ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામેથી લાશ મળી આવી હોવાથી બનાવ સંદર્ભે શનિવારે ભુજ બી ડિવિઝન પોલીસમાં એડી દાખલ કરવામાં આવી હતી. જેના તપાસનીશ પીએસઆઈ બાબુભાઇ પાદારિયાએ જણાવ્યું કે, મૃત્યુ પામેલા વાલબાઈના માતાએ તેઓ સમક્ષ દીકરીની હત્યાની ફરિયાદની વિગતો નોંધાવી છે. જેના આધારે ગુનો દાખલ કરી બનાવ કોટડા ચકાર વિસ્તારમાં બન્યો હોઈ તે વિસ્તાર પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જેથી હત્યાનો ગુનો પદ્ધરમાં ટ્રાન્સફર કરાશે તેવું ઉમેર્યું હતું.

હતભાગીના આ બીજા લગ્ન હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,હતભાગી મહિલાના લગ્ન અગાઉ અન્ય કોઈ સાથે થયા હતા. જે બાદ તે કોટડા ચકાર ગામે મેરામણ સાથે સ્વખુશીથી રહેતી હતી.જેની અરજી સ્વરૂપે હકીકત પણ તેણે અગાઉ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.જેથી હવે આરોપીઓની પૂછપરછ બાદ જ આ કેસના રહસ્યો પરથી પડદો ઊંચકાશે.

અન્ય સમાચારો પણ છે...