ગાંધીધામની બાળકીને મગજમાં વાયરલ ચેપ લાગતાં અંગોમાં ચેતના ઘટી જવાથી ભુજની જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં બાળરોગ વિભાગે 14 દિવસની ઘનિષ્ઠ સારવારના અંતે બાળદર્દીના હાથ, પગ અને જીભ તથા આંખ સહિતના અંગોમાં ચેતનાનો પુનઃ સંચાર કરી દીકરીને ચાલવા સક્ષમ બનાવી હતી.બાળરોગ નિષ્ણાંત .ડો.લાવણ્યા પુસ્કર્ણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 10 વર્ષની પ્રિયાંશી બારોટને ખેંચ, તાવ અને માથામાં સખત દુખાવો હતો. અહીં આવી ત્યારે બોલવું અને ચાલવું મુશ્કેલ જણાતું હતું.
જી.કે.માં આવ્યા અગાઉ અન્ય ખાનગી તબીબોની સારવાર લીધી હતી જે દરમિયાન કરાયેલા પરીક્ષણમાં તેને મગજમાં ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હતું. દર્દીની સારવાર માટે વધુ એક ટેસ્ટ જી.સી.એસ.(ગ્લાસગો કોમા સ્કેલ)અત્રે કરાતા, માલૂમ પડયું કે, દર્દીમાં આ સ્તર જોખમી રીતે ઘટી ગયું હતું. નિદાન બાદ સારવાર થતાં 14મા દિવસે બાળકી જાતે જ ઊભી થઈ અને પછી ચાલતી, બોલતી અને ઓળખતી થઈ હતી. બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાનીની દોરવણી તળે ડો.ઋષિ ઠક્કર, ડૉ.વિનીશા માખીજાની, ડૉ. શિવાની બારડ તેમજ ડૉ.કરણ પટેલ વિગેરે સારવારમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.