ઉચ્ચસ્તરીય તપાસથી હડકંપ:ભૂજની બહુચર્ચિત RTO કચેરીમાં રાજ્યસ્તરની ટીમ દ્વારા વહીવટી કામગીરી અંગે તપાસ હાથ ધરાઈ

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયક ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા; 8 એજન્ટો રેઇડ દરમ્યાન પકડાયા
  • ટેક્સ​​​​​​​ વસૂલીમાં રાજ્યમાં મોખરે રહેવાનો દાવો કરનાર ભુજની કચેરીનું નાક કપાયું

ભુજમાં આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આજે ફરી એક વખત રાજ્યસ્તરની ટીમ દ્વારા વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા ચકાસવા સહિતની બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. કાયમ ચર્ચામાં રહેતી RTO કચેરીમાં આજે સવારથીજ અચાનક આવી ચડેલી ટીમના પગલે બિનસત્તાવાર રીતે કામ કરતા એજન્ટો અને અમુક કર્મચારીઓ ઓઝલ બન્યા છે. તો કેટલાક કથિત એજન્ટોને રાઉન્ડપ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે તપાસના ધમધમાટ વચ્ચે અરજદારોના કામને કોઈ ખલેલ ના પહોંચે તે મુજબ RTO કચેરમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે ઉચ્ચ સ્તરીય ટીમની તપાસમાં કોઈ નિષ્કર્ષ બહાર આવશે કે કેમ તે જોવું રહ્યું.

રોડ ગજવતા વાહનો માટે કામ કરતી RTO કચેરી વિવાદોથી પણ ગાજતી રહે છે. ખાસ કરીને અમુક કર્મચારીઓના કારણે ગેરરીતિના આક્ષેપો ઉઠતા રહે છે. તો બિન સત્તાવાર રીતે કામ કરતા એજન્ટો અને મળતીયાઓના આંટા ફેરા કચેરી આસપાસ થતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ગાંધીનગર કમિશ્નર સ્તરેથી આવેલી ટીમ દ્વારા આજે સવારથીજ કચેરીની અંદરના અને બહારના લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ વિશે આરટીઓ અધિકારી વિપુલ ગામીતે વ્યસ્તતા વચ્ચે તપાસ ચાલી રહ્યાને સમર્થન આપ્યું હતું.

3 ઇન્સ્પેક્ટરોનું પુછાણુ પણ લેવાયું
વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે,ફરિયાદ અનુસંધાને આવેલી ટીમેં 3 ઇન્સ્પેક્ટરોનું પુછાણુ લીધું હતું જેમાં તેમની ગાડી,ફોલ્ડરના નામ સહિતની વિગતો માંગી હતી પણ એક જ ઇન્સ્પેક્ટરે ગાડી પોતાની હોવાની કબૂલાત આપી હતી અન્ય મુદ્દે ચૂપકીદી સેવી લેવાઈ હતી.

અમદાવાદથી આવેલા અધિકારીએ ભુજમાં એજન્ટો પકડ્યા, સ્થાનિકે અધિકારીએ કેમ કાર્યવાહી ન કરી ?
કમિશ્નર કક્ષાએથી આવેલી ટીમ RTO કચેરીમાં એજન્ટોને ઝડપી લેતા સ્થાનિકે સવાલો ઉઠયા હતા.કારણકે એજન્ટોને ટીમ દ્વારા ઝડપી લેવાયા તે બાદ સનનાટો છવાઈ ગયો હતો.ભુજની કચેરી દ્વારા એજન્ટો સામે કાર્યવાહી કરવામાં કેમ ન આવી ? તે મુદ્દે પુછતા આરટીઓ અધિકારી વિપુલ ગામીતે જણાવ્યું કે,અગાઉ કેસ કરવામાં આવ્યો હતો અને મુખ્ય પ્રવેશદ્વાર પર આસિ. ઇન્સ્પેકટરને કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓ ન આવે તેની કામગીરી સોંપાઈ છે.

આઠ એજન્ટો વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ
જાહેરનામાનો ભંગ કરીને અનધિકૃત રીતે કચેરીમાં પ્રવેશવા બદલ ઈપીકો કલમ 188 હેઠળ ભુજ બી ડિવિઝન પોલીસમા 8 એજન્ટો સામે ગુનો દાખલ થયો હતો.જેમાં તૌફિકખાન ઈબ્રાહિમખાન પઠાણ, ઉમેશ ગોવિંદ જોશી, અમિત નરેન્દ્ર જોશી, મુખ્તાર એહમદ સુમરા, ભરત નરેન્દ્ર જોશી, મેહુલ નારણ બારોટ, રાજેશ નારણ મેરીયા અને ઈલેશસિંહ દીપસંગજી રાઠોડનો સમાવેશ થાય છે.

મુખ્ય ફોલ્ડરો તો સવારથી જ ગુમ
જેની મુખ્ય ફરિયાદ ગઈ હતી તે ફોલ્ડરોને પકડવા વ્યૂહરચના ગોઠવાઈ પણ ફોલ્ડરોને અગાઉથી ગંધ આવી ગઇ હોય તેમ સવારથી જ કચેરીમાં ડોકાયા ન હતા તો હાજર અમુક ફોલ્ડરો ટીમની ફિલ્મીઢબે એન્ટ્રી થતા હવામાં ઓઝલ થઈ ગયા હતા.

ફિલ્મી ઢબે થઈ એન્ટ્રી, ગેટ પર જ ટીમ ગોઠવાઈ ગઈ
ગુરુવારે સવારે અચાનક બે વાહનોમાં કમિશ્નર કચેરી નિયુક્ત અમદાવાદ આરટીઓની ટીમ તપાસ માટે પહોંચી હતી, જેમાં ટુકડીના સભ્યોએ તમામ શકમંદને દબોચી લઈ કચેરીની અંદર લઇ ગયા હતા તેમજ ટુકડીના અન્ય સભ્યોએ બહાર આવ-જા કરતા લોકોની પુછપરછ કરી હતી સાથે જ મુખ્ય ગેટને બંધ કરી લોકોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી અરજદારોને પ્રવેશ અપાયો હતો.

ઢગલાબંધ ફરિયાદો પહોંચતા ઉચ્ચસ્તરેથી ટીમને આવવું પડયું
કચેરીમાં ઇન્સ્પેક્ટરના દાયરામાં રહીને કામ કરતા ફોલ્ડરો અને ઓપરેટરોની ઢગલાબંધ ફરિયાદો નામજોગ અને ફોટા-વિડીયો સાથે ઉચ્ચકક્ષાએ પહોંચ્યા હતા જેથી આરટીઓમાં ઉચ્ચસ્તરીય ટીમને કાર્યવાહી માટે આવવું પડયું હતું.10 દિવસ અગાઉ પણ સીઓટીની ટીમ તપાસ માટે આવી હતી.જેણે કેમેરા ચકાસ્યા હતા.

એક એજન્ટ બાથરૂમમાં બંધ,બીજો ટ્રેક પાસેથી કુદવા ગયો ત્યાં સળિયો વાગ્યો
ભાગાદોડી વચ્ચે એક એજન્ટ બાથરૂમમાં બંધ થઈ ગયો હતો એકતરફ કચેરીમાં આવેલું બાથરૂમ આમ પણ દુર્ગંધ મારતું હોય છે ત્યાં એજન્ટ પુરાઈ જતા જોવા જેવી થઈ હતી પછી બીજાને ફોન કરીને દરવાજો ખોલાવ્યો હતો જ્યારે એક એજન્ટ લાયસન્સ ટ્રેક પાસેથી કૂદીને ભાગવા ગયો ત્યારે સળિયો વાગ્યો હતો.આમ કચેરીમાં ઓચિંતી તપાસથી ભાગાદોડ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...