હાલમાં શિક્ષકોના સોશિયલ મીડિયામાં અનેક ગ્રૂપો છે, જેમાં પોતાની શાળા તથા અરસ-પરસ બદલી માટેની માહિતી શેર કરવામાં આવે છે પરંતુ ગ્રૂપમાં દરરોજ નવા સભ્યો જોડાવવાને કારણે વારંવાર આ માહિતી ન આપવી પડે ખેંગારપરના સોફ્ટવેર એન્જિનિયરે પોર્ટલ બનાવ્યું છે.
અંજાર તાલુકાના ખેંગારપરના વેબ ડેવલોપર યુવાન ગિરીશ રમણીકભાઈ ઠક્કરે પત્ની રિદ્ધિબેન ઠક્કર તથા બહેન અંકિતાબેન ઠક્કરના સહકારથી વિચારોની આપલે તથા અાવડત મુજબ લોકોને ઉપયોગી થઇ શકે તેવા હેતુથી શિક્ષકોને અરસ-પરસ બદલી માટે ઉમેદવાર શોધવા સરળતા રહે તે માટે ઓનલાઇન પોર્ટલ બનાવ્યું છે, જે તદ્દન નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે તથા પોર્ટલની લિંક https://jobtransferportal.online છે. આ વેબપોર્ટલ પરથી સમગ્ર ગુજરાતમાં સરકારી કે ખાનગી નોકરી કરતાં શિક્ષકો જિલ્લા, તાલુકા તથા ગામ સ્તર પર બદલી માટે પોતાના અનુરૂપ ઉમેદવારોની માહિતી સરળતાથી મેળવી શકશે.
શિક્ષકોની માંગ અનુસાર ભવિષ્યમાં ફેરફાર કરાશે
આ અંગે વાત કરતાં વેબ ડેવલોપર ગિરિશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ઉમેદવારે પોતાની જરૂરી માહિતી સાથે પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન કરવાનું રહેશે જેથી સરળતાથી અન્ય શિક્ષકો સુધી માહિતી પહોંચી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેબપોર્ટલનો જે કોઇ ઉપયોગ કરતાં હશે તેમના અભિપ્રાય લઇ ભવિષ્યમાં મદદરૂપ થવા માટે અન્ય ફેરફારો કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.