ગુજરાતી નહીં, કદાચ કચ્છીઓને પણ ખબર નહીં હોય કે ત્રણસો વર્ષ પહેલાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા નામે એક વિદ્યાસંકુલ ભુજમાં હતું અને તેમાં કવિ બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ નિષ્ણાતો દ્વારા અપાતું હતું.એ જમાનામાં જેમ સંસ્કૃત માટે કાશી પ્રખ્યાત હતું તેમ કવિતા માટે કચ્છ જાણીતું હતું.
આજ સુધીના ઇતિહાસમાં ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર કાવ્ય શાળા હતી. તેમાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ હતો અને તેના આધાર પર રાજાશાહી યુગમાં રાજકવિની નિમણૂકો થતી હતી. ગુજરાતના કવીશ્વર દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના સંખ્યાબંધ કવિઓ અહીં કાવ્યશાસ્ત્ર પાઠ શીખ્યા હતા ત્યારે આ પાઠશાળાનું ઇતિહાસ બતાવતી શોર્ટફિલ્મનું ભુજમાં અનાવરણ કરવામાં આવશે.
હમીરજી રતનુ લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો.કાશ્મીરા મહેતાએ જણાવ્યું કે,કચ્છ યુનિવર્સિટી તથા રાજકવિ શંભુદાન ગઢવી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે 300 વર્ષ જૂની કચ્છની વ્રજભાષા પાઠશાળાના ઇતિહાસની ઝલક દેખાડતી શૉર્ટ ફિલ્મનું અનાવરણ સોમવારે બપોરે 12 કલાકે યુનિવર્સિટીના કોર્ટહોલમાં કરવામાં આવશે.જે કાર્યક્રમમાં કુલપતિ ડૉ. જયરાજસિંહ જાડેજા,પ્રૉ. અંબાદાન રોક્ડીયા (પૂર્વ અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી),રાજેન્દ્ર ગઢવી (નિવૃત અધિક કલેક્ટર),પુષ્પદાન ગઢવી (પૂર્વ સાંસદ),કુલસચિવ ડો.જી.એમ.બુટાણી સહિતના હાજર રહેશે.
આઝાદી પછી 1948માં પાઠશાળા બંધ થઈ
ઇતિહાસ પર નજર કરીએ તો કવિ બનવાની ઈચ્છા સાથે આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ રહેવા-જમવા સહિતનો તમામ ખર્ચ કચ્છ રાજ્ય ભોગવતું.કાવ્યરચનાના દશે-દશ પાસા એટલે કે રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાયિકાભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ અને શબ્દશક્તિનો ગંભીરતાથી અભ્યાસ કરાવાતો તેમજ વિવિધ કલાઓ પણ શીખવાડવામાં આવતી હતી.આઝાદી પછી 1948માં પાઠશાળા બંધ કરી દેવાઇ. ભૂકંપ પછી મકાનનુંયે નામનિશાન રહ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.