ભાસ્કર એક્સક્લૂઝિવ:માંડવીના દરિયાકાંઠે દુર્લભ કાચબો ‘હોક્સ બિલ ટર્ટલ’ નોંધાયો

ભુજ17 દિવસ પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
  • 30થી 35 ઇંચનો આ કાચબો મુખ્યત્વે વિશ્વના ઉષ્ણકટિબંધીય મહાસગરોમાં જોવા મળે છે

માંડવીના દરિયાકાતને અત્યંત દુર્લભ ગણાતો હોક્સ બિલ ટર્ટલ નામનો કાચબો જીવિત નોંધાયો છે,દરિયાઈ વિજ્ઞાન સાથે જોડાયેલા તજજ્ઞો આ વિસ્તારમાં હોક્સ બિલની હાજરીને દુર્લભ ઘટના ગણાવી રહ્યા છે. અજાણ્યો કાચબો તાજેતરમાં માંડવીના દરિયાકાંઠે નોંધાયો હતો,તેની ઓળખને લઇ તજજ્ઞો મૂંઝવણમાં મૂકાયા હતા.ભાસ્કરે આ મુદ્દે ડો.ઇન્દ્રભાઈ ગઢવી,ભાવનગર યુનિવર્સટી મરીન સાયન્સ વિભાગના વડાનો સંપર્ક સાધતા તેમણે,આ કાચબો હોક્સ બિલ ટર્ટલ હોવાનું જણાવ્યું હતું.

કચ્છના દરિયાકાંઠે આ જીવની હાજરી પણ અત્યંત દુર્લભ
જો કે કોઈ રેકોર્ડની નોંધ ન હોતા કેટલા વર્ષ બાદ અહીં નોંધ થઇ તે બાબત અસ્પષ્ટ રહી હતી. આર.આર.લાલન કોલેજના ઝૂલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રણવભાઈ પંડ્યાએ જણાવ્યું કે,મોટાભાગે માંડવી દરિયાકાંઠે ઓલિવ રિડ્લી અને ગ્રીન સી ટર્ટલ મળી આવતા હોય છે.આ વચ્ચે હોક્સ બિલ ટર્ટલની હાજરી સુખદ નોંધ છે.વર્ષો પહેલા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કાચબાઓ નોંધાતા હતા.જો કે હવે ક્યારેક જીવિત અને મૃતદેહો દરિયાકાંઠે નોંધાઈ રહ્યા છે.આ વચ્ચે હોક્સ બિલ ટર્ટલની હાજરી દરિયાઈ વિસ્તારમાં સ્થિતિ સાનૂકૂળ હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

કોરલ રીફ્સમાં દરિયાઈ એનિમોન્સ અને જેલીફિશ પણ ખાય છે
ભવિષ્યમાં આ પ્રકારના કાચબાના ડેટા સંશોધન અને અભ્યાસમાં અત્યંત મહત્વના સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું. ૩૦-૩૫ ઇંચના હોક્સ બિલ સી ટર્ટલ મુખ્યત્વે સમગ્ર વિશ્વના ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં જોવા મળે છે, મુખ્યત્વે કોરલ રીફ્સમાં દરિયાઈ એનિમોન્સ અને જેલીફિશ પણ ખાય છે. અન્ય દરિયાઈ કાચબાઓની જેમ, આ કાચબાને દરિયાઈ પ્રદૂષણ, માછીમારીના નકારાત્મક પાસા, કલાઈમેટ ચેન્જથી વધતું પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ,દરિયામાં દૂષિત તૈલી પ્રવાહીનો વધારો સહિતના મુદ્દાઓ જોખમી સાબિત થઈ રહ્યા છે.

પશ્ચિમ કચ્છ વનવિભાગ સમયાંતરે આપે છે તાલીમ, અધિકારીઓની મરીન વાઇલ્ડલાઇફ મુદ્દે સતત વોચ
પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા ડીસીએફ યુવરાજસિંહ ઝાલા અને ઇન્ચાર્જ એસીએફ મેહુલભાઈ પ્રજાપતિની સૂચનાથી આ વિસ્તારમાં ઘાયલ વન્યજીવોના રેસ્કયૂ માટે સતત વોચ રાખી ગ્રાઉન્ડ સ્ટાફને તાલીમ અપાઈ રહી છે.સમયાંતરે કાચબાના આવાગમન વિસ્તારોમાં વનવિભાગ દ્વારા સફાઈ અભિયાન કરાય છે અને તેની ઓળખ અને રેસ્કયૂ સહિત તાલીમ પણ અપાઈ રહી છે.

સંસ્થાઓની મહેનત રંગ લાવી, દરિયાઈ પ્રદૂષણ ફેલાય એ પહેલા જ દૂર કરાય છે
માંડવી સ્થિત સિક્યુર નેચર સોસાયટી દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા આ વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખી પાણી પહેલા પાળ બાંધી રહી છે.કારણ કે,દેશભરના પ્રવાસીઓ માંડવી બીચ પર આવે છે અને કચરો ફેંકી જતા રહે છે.પાલિકાની કામગીરી સાથે જોડાઈ અને રવિવારે સિક્યુર નેચર સોસાયટી દરિયાકાંઠે સફાઈ અભિયાન યોજે છે.જેથી દરિયાઈ પ્રદૂષણ અટકે અને દરિયાઈ જીવો આસાનીથી રહી શકે

અન્ય સમાચારો પણ છે...