કડક ચેકિંગ શરૂ કર્યું:એરપોર્ટ રોડથી છેક શેખપીર ચોકડી સુધી મીઠાના ઓવરલોડ વાહનોની કતાર લાગી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેકપોસ્ટ પર આરટીઓએ કડક ચેકિંગ શરૂ કર્યું : કાર્યવાહીથી બચવા અમુક ચાલકોએ રસ્તામાં જ નમક ઢોળી નાખ્યું
  • ઓવરલોડ વાહનોથી અકસ્માત અને નમક ઢોળાવાથી મોપેડ સ્લીપ થવાના રોજ બને છે બનાવ

કચ્છમાં ઓવરલોડ નમક પરિવહનના દુષણને ડામવા માટે આરટીઓ વિભાગે ફરી એકવાર કાયદાનો દંડો પછાડતા શેખપીરથી લઈ એરપોર્ટ રોડ સુધી ઠેરઠેર વાહનોના થપ્પા લાગી ગયા છે.કેટલાક ટ્રક ચાલકોએ દંડથી બચવા માટે રસ્તામાં જ ઓવરલોડ મીઠું ઢોળી નાખ્યું હતું. જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.

ખાવડાથી કંડલા જતા નમક પરિવહનના વાહનોમાં ફરી ઓવરલોડ શરૂ થઈ ગયું છે જેથી આરટીઓ દ્વારા શેખપીર ચેકપોસ્ટ પર ચેકિંગ વધારવામાં આવ્યું છે.જેના કારણે ફરી એકવાર શેખપીરથી એરપોર્ટ ચાર રસ્તા સુધી ઠેર ઠેર નમક ભરેલી ઓવરલોડ ગાડીઓના થપ્પા લાગી ગયા છે. કેટલાક ડ્રાઇવરોએ દંડથી બચવા માટે રસ્તામાં નમક ઢોળી નાખ્યુ હતું તો જે વાહનોમાં ઓવરલોડ હતું તેઓએ રસ્તામાં જ ગાડી ઉભી રાખી દીધી હતી.ઓવરલોડ ગાડી હોય પણ પાર્ક થયેલી હોય તો અધિકારીઓ કાર્યવાહી કરી શકતા નથી.જેથી આ વિકલ્પ અજમાવાયો હતો.

ખાવડા સમીપે આવેલી કંપનીઓમાંથી ઓવરલોડ નમક ભરીને કંડલા પોર્ટમાં સપ્લાય કરવામાં આવે છે અગાઉ તો તાલપત્રી પણ ઢાંકવામાં આવતી ન હતી પણ કડકાઈ બાદ તેની અમલવારી થાય છે.છેલ્લા બે દિવસથી આર.ટી.ઓ. દ્વારા ચેકપોઈન્ટ પર કડક અમલવારી શરુ કરાઈ છે.જેથી કરાતા ખાવડાથી આવતા મીઠાના ઓવરલોડ ટ્રેલરોના પૈડા થંભી જતા અમુક વાહનચાલકો મીઠાને અન્ડરલોડ કરવા ભુજોડી હાઈવેના સર્વિસ રોડ પર નમક ફેંકી રવાના થયા હતા.જોકે આ વચ્ચે આરટીઓ વિભાગે 30 થી વધુ ટ્રેઇલર ચાલકોને ઓવરલોડનો દંડ ફટકાર્યો હતો અને હજી પણ ચેકિંગ અવિરત જારી હોવાનું આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...