ટેન્ડર બહાર પડાયા:રેલવેની જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું કામ હવે ખાનગી કંપની પણ કરશે

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ -ગાંધીધામ સહિત 15 સ્ટેશનોએ કામગીરી માટે ટેન્ડર બહાર પડાયા

દેશમાં વિવિધ સરકારી સાહસોમાં ખાનગીકરણનો પ્રવેશ થઈ રહ્યો છે.સરકારના સૌથી મોટા જાહેર સાહસ રેલવેમાં પણ ખાનગીકરણનો પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે તેની અસર કચ્છનાં ભુજ અને ગાંધીધામ સ્ટેશને પણ જોવા મળશે.અત્યારસુધી રેલવેની જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ સ્ટેશનેથી જ મળતી હતી પણ પ્રવાસીઓની સુવિધા ખાતર આ ટિકિટ હવે ખાનગી કંપની/પેઢી પણ વેચી શકશે.આ માટે રેલવે દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.જેથી આ પ્રક્રિયા સંપન્ન થયા બાદ મુસાફરોને તેનો પણ લાભ મળશે.

અમદાવાદ ડિવિઝનના ભુજ અને ગાંધીધામની સાથે અમદાવાદ, મણિનગર, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, કલોલ, સાબરમતી (સેન્ટ્રલ જેલ) સ્ટેશન પર 17 જેટીબીએસની નિમણુંક કરવામાં આવશે.આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જન સાધારણ ટિકિટ બુકિંગની આ સેવામાં કંપનીને ટિકિટ વેચાણ માટેની પરવાનગી આપવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે, આ અંતર્ગત સ્ટેશનની નજીક મુસાફરોને જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવાની હોય છે.

અહીં પ્રવાસીઓને બેસવા માટેની વ્યવસ્થા,પાણી સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવાની રહેશે. રેલવે મથકોએ તો ટિકિટ મળી રહેશે પણ પ્રવાસીઓની સવલત ખાતર ખાનગી કંપનીને પરવાનગી આપવામાં આવશે જેથી મુસાફરોને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને સીધા જ ટ્રેનમાં બેસી શકે. આ મુદ્દે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...