અબડાસા તાલુકાના મહત્વના સાંધી માર્ગ પર ગત રાત્રે ભાવનીપર બીટા વચ્ચેનો પૂલ બેસી જતા રાજ્ય ધોરીમાર્ગ અવરોધાયો હતો. ત્યારે આ જોખમી પૂલ પરથી પસાર થતું એક મહાકાય ટ્રેલર પણ માર્ગ ઉતરી પલટી ગયું હતું જેથી અકસ્માત થયો હતો. જેમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અબડાસાના સાંધી એકમને ભુજ સાથે જોડતો મહત્વનો માર્ગ બંધ થતાં દૈનિક 400 થી 500 જેટલા પરિવહન કરતા વાહનોની આવાગમને અસર પહોંચી છે. હાલ તમામ વાહનો વાયા કોઠારા-કનકપરનો ફેરો ખાઈને ચાલી રહ્યા છે. વરસાદ બાદ પડતર પાણીના કારણે પૂલ બેસી ગયો હોવાનું તારણ સામે આવ્યું હતું. તંત્ર દ્વારા પૂલનું સમારકામ તાકીદે હાથ ધરાય એવી લોકોએ માગ કરી હતી.
માર્ગ બંધ થતાં વાહનોને વાયા કોઠારા ચાલવું પડી રહ્યું છે
અબડાસા તાલુકાના ભવાનીપર બીટા વચ્ચેના માર્ગે આવતો પૂલ ગત મોડી રાત્રે બેસી ગયો હોવાનું સામે આવતા સ્થાનિક લોકો દ્વારા સલામતીના ભાગરૂપે આ અંગેની જાહેરાત કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં એક ટ્રેલર પૂલ પરથી પસાર થતી વેળાએ પલટી ગયું હતું. પૂલ બેસી જવાથી મહત્વનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તમામ વાહન વ્યવહાર વાયા કોઠારા થઈ ચાલી રહ્યો હોવાનું નલિયાના કપિલ જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.