‘કોસ્ટલ ટ્રેક’:કરોડોની કમાણી છતાં રખરખાવમાં ઉપેક્ષિત માર્ગ

સામખિયાળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલાથી માળિયાનો કોસ્ટલ હાઇવે અનિવાર્ય, 110 કિલોમીટરમાંથી સીધા 56 કિ.મીનું અંતર થાય હવે પરિવહન મોટો પડકાર બની રહ્યો છે
  • કચ્છ સૌરાષ્ટ્ર માટે સ્વતંત્ર ‘કોસ્ટલ ટ્રેક’ની તાતી જરૂર કરોડોનું બળતણ, સમય અને અમૂલ્ય જિંદગીઓ બચશે

બુધવારે સૂરજબારી અને ગાગોદર નેશનલ હાઇવે પર અકસ્કંમાતની બે ઘટનાઓ બનતાં કલાકો સુધી ટ્રાફિક જામની મુશ્કેલી સર્જાઇ હતી. કંડલા, મુન્દ્રા અને હવે તુણા બંદર નોર્ટ હિન્ટરલેન્ડ તરીકે પ્રસ્થાપિત થઇ ચૂક્યા છે અને આગામી દાયકામાં માર્ગ પરિવહન બેવડી સંખ્યામાં વધવાનું છે ત્યારે સૂરજબારી કે આડેસરના સીક્સ લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર આધારિત રહેવાથી આવી સમસ્યાનો અંત આવે તેમ નથી. વિકાસની ગતિ જેટ હોય તો તેના વિકાસને પાયારુપ એવી રન વે જેવા રસ્તાઓની અનિવાર્યતા પણ એટલી જ છે ત્યારે કચ્છથી સૌરાષ્ટ્રને જોડતા કોસ્ટલ હાઇવેનું નિર્માણ ભારે ટ્રાફિકની સમસ્યાના કાયમી સમાધાનનો એક ઉકેલ બને તેવું અભ્યાસુઓ કહે છે.

કચ્છ સૌરાષ્ટ્રને જોડતા કુલ 200 કિલોમીટરના રસ્તાને પસાર કરીને કલાકો બાદ પહોંચવાના બદલે માત્ર 35 નોટિકલ માઇલ એટલે કે અંદાજે માત્ર 56 કિલોમીટરના દરિયાઇ અંતરે માળિયા, નવલખી સુધી પહોંચી શકાય તેમ છે. જો આ દરિયાઇ માર્ગ બની જાય તો કચ્છમાંથી અમદાવાદ અને મધ્ય ગુજરાત તરફ જતા અને સૌરાષ્ટ્ર તરફ જતા નાના વાહનચાલકો, એમ્બ્યુલન્સ તથા ઇમરજન્સી વાહનોનો ટ્રાફિક સમસ્યામાંથી મહદંશે છૂટકારો થઇ શકે તેવું તારણ પરિવહનકારો આપે છે.

2001ના વિનાશક ભૂકંપ પછીના ઉદ્યોગીકરણના લીધે કચ્છના લોકોએ ન ધારેલો વિકાસ થયો છે અને તેમાં બંદરિયની સાથે જિલ્લામાં ફેલાયેલા ઔદ્યોગિક એકમો સાથેના ભારે વાહનોના પરિવહનનો પણ ફાળો વધારે છે. નોર્થ હિન્ટરલેન્ડ સમાન કચ્છના દરિયાઇ પટ્ટાનો આયાત નિકાસનો મોટાભાગનો કારોબાર રસ્તા પરિવહનથી થાય છે અને તેના લીધે માર્ગ અકસ્માતો, માર્ગો ઉબડખાબડ બનવા, વાહનો ખોટવાઇ જવાના કારણોસર રસ્તાઓ ઉપર કલાકો સુધીના અવરોધ સહિતની ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ચૂકી છે.

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના વિકાસની ચિંતા સેવી રહ્યા છે અને કેન્દ્ર સરકારની કેબિનેટમાં તુણા પ્રોજેક્ટ માટે 5963 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. ત્યારે હાલના રસ્તાઓની માળખાકિય સુવિધા ચોક્કસ અપૂરતી છે. કારણ કે અત્યારે કંડલા બંદર સાથે રોજના પાંચ હજાર વાહનોની અવરજવર થતી રહે છે. આ પૈકીના 50 ટકા વાહનો પણ જો સૂરજબારી પુલ ઉપરથી પસાર થતા હોય તો પણ ટ્રાફિક સમસ્યા માટે કોઇને કોઇ અંશે ક્યારેક જવાબદાર બનતા રહે છે. માત્ર કંડલા નહીં હવે તુણા, મુન્દ્રા, અબડાસાના સિમેન્ટ ઉદ્યોગ કે લિગ્નાઇટની ટ્રક્સ પણ રસ્તાઓને બિસમાર બનાવવામાં જવાબદાર બને છે. આ વિકાસમાર્ગ છે અને રાજ્યને કરોડો કમાવી આપે છે. પણ તોય તેના રખરખાવમાં ભારે ઉદાસીનતા જોવા મળે છે તેવું નિત્ય પ્રવાસીઓ કહે છે.

કચ્છથી સૌરાષ્ટ્રને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર પોર્ટ્સનું પરિવહન મહદંશે હોવાથી મુન્દ્રા, કંડલા અને તુણાનો ભારે વાહનોની અવરજવર માટે કોસ્ટલ હાઇવે એક ઉપાય હોવાનું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર સરકારને અવારનવાર લેખિતમાં જણાવ્કયું છે. કંડલાથી માળિયા સુધી માત્ર 56 કિલોમીટરનો દરિયાઇ માર્ગ ઉભો કરીને કચ્છ બહાર નીકળતા સૂરજબારી અને આડેસરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપરનું ભારણ ઘટાડી શકાય તેમ છે. ગાંધીધામ ચેમ્બરે 20મી માર્ચ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી રજૂઆતમાં એમ જણાવ્યું હતું કે, ભારત સરકારના પરિવહન મંત્રાલયે 12 પોર્ટ સિટીઝને સ્માર્ટ સિટી બનાવવાના છે અને તેમાં કંડલાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

જો ગાંધીધામથી માળિયા અથવા કંડલાથી માળિયા સુધીનો નવો રસ્તો તૈયાર કરાવવામાં આવે તો માળિયા સુધીનું 110 કિલોમીટરનું અંતર અંદાજે 56 કિલોમીટરનું થઇ જાય. છેલ્લે 27મી ઓગસ્ટ 2021ના કરેલી રજૂઆતમાં એમ પણ જણાવાયું હતું કે, કંડલા અને મુન્દ્રા બંદરો દ્વારા ગ્લોબલ શિપિંગ ટ્રેડમાં 40 ટકા જેટલો મોટો કારોબાર થઇ રહ્યો છે. મોરબી પણ ટાઇલ્સ ઉદ્યોગનું હબ છે. સૌરાષ્ટ્રમાંથી કૃષિપાકો, તેલિબિયાં, નમક સહિતની નિકાસ કરવામાં આવે છે. તેથી કંડલા માળિયાને જોડતો અલાયદો કોમર્શિયલ ધોરીમાર્ગ જરૂરી છે. નોંધનિય છે કે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ અગાઉ કંડલા, માળિયા નવલખીનો રસ્તો બને તે માટે કેન્દ્રમાં લેખિત રજૂઆતો કરી છે.

સામખિયાળીમાં દૈનિક 55 લાખ, સૂરજબારીમાં 45 લાખનો ટોલ ટેક્સ​​​​​​​
માહિતગારોના જણાવ્યા અનુસાર, સામખિયાળી ટોલ નાકાને જોડતા નેશનલ હાઇ વે ઉપરથી દૈનિક 25 હજાર વાહનોની અવર જવર રહે છે તેમાં રોજનો 50થી 55 લાખ ટોલટેક્સ અંદાજે ભરાય છે. જ્યારે સૂરજબારી ટોલ વિસ્તારમાં 23 હજાર વાહનોની અવરજવર અને 45 લાખ જેટલી રકમ ટોલરૂપે નોંધાઇ છે. ઉત્તર ગુજરાત કે રાજસ્થાન તરફ જવા માખેલ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા વાહનોમાંથી 15 લાખની આવક થાય છે. આમ આ રસ્તા કમાઉ દિકરા જેવા છે.

તુણાના પ્રોજેક્ટ પહેલાં સારા રસ્તાઓ જરૂરી
કચ્છમાં આડેસરથી અબડાસા સુધી ઉદ્યોગો પથરાઇ ચૂક્યા છે અને સ્ટીલ, ખનિજ, ટીમ્બર સહિતના ટ્રાન્સપોર્ટ્સ અને લોજિસ્ટીક્સનો કારોબાબ થાય છે તેમ કહેતાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશ તિર્થાણીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, તુણામાં કેન્દ્ર સરકારે મંજૂરીઓ આપ્યા બાદ આગામી સમયમાં વાહન વ્યવહારની સંખ્યા બમણી થવાની છે. બંદરમાં આયાત નિકાસનો મહદંશે કારોબાર માર્ગ પરિવહનથી થાય છે ત્યારે કંડલા માળિયા કોસ્ટલ હાઇવેની અનિવાર્યતા છે. યોગ્ય ધોરીમાર્ગો નહીં હોય તો મહાકાય પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાનની સમસ્યા નડતરરૂપ બની જશે.

નેશનલ હાઇવે છતાં અવારનવાર ધોરીમાર્ગ વનવે કરાય છે
કેન્દ્ર સરકારે સારા રસ્તાઓ બનાવીને તેની સારસંભાળ માટે નેશનલ હાઇવે ઓથોરિટી (એનએચએઆઇ)ને જવાબદારી સોંપી દીધી છે. પરંતુ નામધારી કંપનીઓ આવા રસ્તાની જાળવણીમાં કચાસ રાખતી હોવાની લોકફરિયાદ ક્યારેય સમતી નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અકસ્માત થાય, મેન્ટેનન્સ કરવાનું હોય કે પુલના પાટિયા બેસી જાય એટલે કે સીમેન્ઠ કોંક્રિટ અથવા ડામરના કામ કરવાના હોય ત્યારે દિવસો સુધી ટ્રાફિક વન વે કરવામાં આવે છે. આના લીધે વાહનો તેના નિર્ધારિત સમય કરતાં કલાકો સુધી મોડા પહોંચે છે. દર શનિ અને રવિવારે પણ આ સમસ્યા સતાવતી હોવાનું કેટલાક અનુભવીઓએ જણાવ્યું હતું. સુત્રોનું માનીએ તો ગાંધીધામથી સૂરજબારી સુધીના પેટ્રોલ પંપ્સ ઉપર દેશનું સૌથી વધુ ડિઝલ વેચાય છે. પરિવહનકારો હૈયું બાળતા કહે છે કે, મોંઘું બળતણ લાઇનોમાં જ બાળીને ધુમાડો થાય છે એ દુ:ખની વાત છે.

અન્ય સમાચારો પણ છે...