પ્રેમમાં ડખ્ખો:સગીરાનો પરિણીત યુવક સાથેનો પ્રેમ માતા માટે બન્યો શિરદર્દ, ડખ્ખો થતાં પોલીસ ચિત્રમાં આવી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 મહિનાથી કોડકીનો યુવક લગ્ન કરવા માટે હાથ ધોઈને પાછળ પડતા ગામ બદલવું પડ્યું
  • અવારનવાર પીછો કરી પજવણી કરાતી,હમીરસર પાસે માતાને છરી બતાવી મારી નાખવાની ધમકી અપાઈ ​​​​​​​

કહેવાય છે પ્રેમ આંધળો હોય છે તેવો જ અજીબ કિસ્સો ભુજમાં સામે આવ્યો છે.જેમાં સગીર દીકરીના પરિણીત યુવક સાથેના પ્રેમથી કંટાળીને માતાને ગામ બદલવાની ફરજ પડી હતી.જોકે પરિસ્થિતિમાં કોઇ સુધારો ન આવ્યો અને સગીરા ઘરેથી ભાગી જતા દાદા-દાદી પાર્ક પાસે ઝગડો થયો અને ત્યારે અહીંથી પોલીસની જીપ પસાર થતા સમગ્ર મામલો ચોપડે ચડ્યો છે.

એ ડિવિઝન પોલીસમાં ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,5 મહિના અગાઉ 17 વર્ષની દીકરીએ કહ્યું હતું કે,કોડકી ગામમાં રહેતા આદમ જત સાથે તે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે.બાદમાં જાણવા મળ્યું કે,આદમના લગ્ન થઈ ગયા છે અને 3 દીકરા છે અને તે પત્નીને છોડી મુકવાનો છે.

જોકે માતાએ યુવક પરિણીત અને ઉંમરમાં મોટો હોવાનું જણાવી આ લગ્ન થઈ શકે તેવું સ્પષ્ટ કહી દીધું હતું.તેમ છતાં જ્યારે મા-દીકરી કામ અર્થે બહાર જાય ત્યારે આરોપી કાળા કલરની પલ્સર બાઇક લઈને પીછો કરતો અને મારા લગ્ન તારી દીકરીથી કરાવી દે તેવી ધમકીઓ આપતો હતો.જેથી માતાએ લગ્નની ના કહી દેતા આરોપીએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદીના પતિ અવસાન પામ્યા હોઈ તેઓએ જે -તે સમયે ફરિયાદ કરી ન હતી.જોકે કંટાળીને તેઓ ગામ મૂકીને બીજે રહેવા ચાલ્યા ગયા અને મીરજાપર પાસેથી પસાર થયા ત્યારે આદમે આવી એવી ધમકી આપી કે,કેટલા દિવસ લગ્ન નહિ કરાવો હું તમારી દીકરી સાથે જ લગ્ન કરીશ તેમ કહી ગાળો આપી હતી.દરમિયાન સગીરા ઘરેથી કહ્યા વગર નીકળી જતા માતાએ તેનો બીજા છકડાથી પીછો કર્યો.

ત્યારે દાદા-દાદી પાર્ક પાસે બંને જણા મળી આવતા ફરિયાદીએ કહ્યું હતું કે,હવે સમજી જા નહિ તો ફરિયાદ કરીશ ત્યારે આદમે ઝગડો કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ દરમ્યાન પોલીસની જીપ પસાર થઈ ત્યારે સમગ્ર હકીકત જણાવતા પોલીસે આ 28 વર્ષના આરોપી આદમ ઇબલારમજુ જત (રહે.કોડકી)ને ઝડપી લીધો હતો બાદમાં આદમ સામે એટ્રોસીટી સહિતની કલમો તળે એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપીની અટકાયત કરી પુછપરછ હાથ ધરાઇ
ફરિયાદ અનુસંધાને આરોપી આદમ ઇબલારમજુ જતની અટકાયત કરી લેવાઈ છે અને તેની પૂછપરછ સાથે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.> જે.એન.પંચાલ,ભુજ ડીવાયએસપી

અન્ય સમાચારો પણ છે...