મુન્દ્રા તાલુકાના વવાર ગામે સવારે ગાય દોહતી વખતે ગાયે અચાનક શિંગડુ મારતા સગીરા જોરથી પટકાઈ હતી જેમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને સારવાર મળે તે પહેલાં જ મોત આંબી ગયું હતું. પ્રાગપર પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે, વવાર ગામે 14 વર્ષિય આશાબેન ચારણ નામની સગીરા પોતાના ઘરે સવારે સાડા 6 વાગ્યાના અરસામાં ગાય દોહતી હતી, ત્યારે ગાયે ઓચિંતાનું શિગડું ભરાવતા ગળાના ભાગે ઈજાઓ પહોંચતા તે પડી ગઇ જેથી તાત્કાલિક સારવાર માટે લઈ જવાઈ હતી પણ ગંભીર ઇજાઓના કારણે સારવાર કારગત સાબિત થાય તે પહેલા મોત આંબી ગયું હતું.હતભાગીના પિતા રણમલભાઈ દૂધની ફેરી કરવા ગયા ત્યારે ઘરે દીકરી ગાય દોહતી હતી અને બનાવ બન્યો હતો.આ ઘટનાએ ગામમાં ભારે ચકચાર જગાવી હતી.
વિજપાસરમાં રિસામણે ગયેલી પત્ની પરત ન આવતા પતિએ જીવ દઈ દીધો
નખત્રાણા તાલુકાના વિજપાસર ગામે રિસામણે ગયેલી પત્ની માવતરેથી પરત ના આવતા પતિએ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી માહિતી મુજબ, તાલુકાના વિજપાસર ગામે રહેતા 32 વર્ષીય નવીનભાઈ ઝવેરભાઈ માંધડે બુધવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મઘાતી પગલું ભર્યું હતું. તેમના પિતા ઝવેરભાઈએ પોલીસમાં જણાવ્યું કે હતભાગીની પત્ની રીસામણે જતા માવતરેથી પરત આવતી ન હતી જેનું મનમાં લાગી આવતા દીકરાએ પંખામાં અજરખ બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.જેને મંગવાણા સીએચસીમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા.નખત્રાણા પીઆઇ આર.જે.ઠુમમરે આગળની તપાસ હાથ ધરી છે.
મોરજરમાં યુવકે ફાંસો ખાઈ લીધો
નખત્રાણા તાલુકાના મોરજર ગામે મહેશ્વરીવાસમાં રહેતા 30 વર્ષિય યુવાને ફાંસો ખાઈ જીદંગી ટુકાવી હતી. નખત્રાણા પોલીસે જણાવ્યું કે,હરેશ પુંજાભાઈ મહેશ્વરી નામના યુવાને સવારે પોતાના ઘરે અંતિમ પગલું ભર્યું હતું. હતભાગીની લાશને નખત્રાણા સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.