નોકર ચોરી:હોસ્પિટલ રોડ પર બિલ્ડરના બંગલોમાં કામ કરતી નોકરાણી 27 લાખની મતા સાફ કરી ગઈ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે કામ કરવા આવતા વ્યક્તિઓ પર નજર રાખવી અનિવાર્ય બની
  • બી ડિવિઝન પોલીસે સહયોગનગરમાં રહેતી કામવાળીની ધરપકડ કરી 1.91 લાખ રિકવર કર્યા

શહેરના હોસ્પિટલ રોડ પર આવેલા બંગલોમાં કામ કરતી નોકરાણી ઘરમાંથી 23 લાખ રોકડા અને 4 લાખના દાગીના મળી કુલ 27 લાખની માલમતાની સફાઈ કરી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી.જોકે બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતા પરખી નોકરાણી માલ સામાન લઈને ક્યાંય છુ થઈ જાય તે પહેલા જ અટકાયત કરી લઈ તેના કબજામાંથી 1.91 લાખ રૂપિયા રિકવર કરી લઈ ચકચારી ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે.

બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે,હોસ્પિટલ રોડ પર ખાવડા સ્વીટ માર્ટ વાળી ગલીમાં આ બનાવ બન્યો હતો.ફરીયાદી બિલ્ડર રાજ કતીરાએ પોલીસમાં જણાવ્યું કે,તેમના ઘરે ઘરકામ કરવા આવતી આરોપણ મહિલા આશાબેને ઘરમાંથી ચોરી કરી હતી.સહયોગનગરમાં રહેતી આશાબેન ઘરની પરિસ્થિતિથી વાકેફ હોઇ તેણે નજર ચૂકવીને ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હતી.

નોકરાણીએ 22 થી 29 એપ્રિલ દરમ્યાનના સમયગાળામાં ઘરમાંથી 23 લાખ રોકડા અને 4 લાખના સોનાના દાગીના જેમાં સોનાની 16 બંગડીનો સમાવેશ થાય છે તેની ચોરી કરી હતી.ઘરમાંથી 23 લાખ રોકડા અને 4 લાખના દાગીના સહિત 27 લાખ રૂપિયાની માલમતા નોકરાણી ચોરી ગઈ હોવાનું જણાઇ આવતા ફરિયાદીએ તાત્કાલિક ભુજ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો.જેથી તાત્કાલિક પગલાં ભરીને આરોપી મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

પીઆઇ પાર્થેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે,નોકર ચોરીના ગુનાની જાણ થતા તાત્કાલિક પગલાં ભરીને આરોપી નોકરાણી મહિલા આશાબેન (રહે.સહયોગનગર)ની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ દરમિયાન આરોપીના કબજામાંથી રોકડા રૂપિયા 1.91 લાખ રિકવર કરવામાં આવ્યા છે તેવું જણાવી હાલ પુછપરછ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...